અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. જોકે તેમની આ મુલાકાતને લઇને વિવાદો પણ ચાલી રહ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોના આમંત્રણથી ભારત આવી રહ્યા છે? ટ્રમ્પ દાવા કરી રહ્યા છે કે મારૂ સ્વાગત એક કરોડ લોકો અમદાવાદમાં કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ટ્રમ્પને કોણે આમંત્રણ આપ્યું છે? વિદેશ મંત્રાલય કહે છે કે એક ખાનગી સંસ્થાએ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતનું આયોજન કર્યું છે. બાદમાં મંત્રાલયના નિવેદનને ટાંકીને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે આ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે? તેના સભ્યો કોણ છે?
ગુજરાત સરકાર કેમ ખર્ચી રહી છે ?
જો ટ્રમ્પને એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા બોલાવવામાં આવી રહ્યા હોય તો ગુજરાત સરકાર આટલા કરોડો રૂપિયા ટ્રમ્પના સ્વાગત પાછળ કેમ ખર્ચી રહી છે? સાથે તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પને કોને બોલાવ્યા છે? એક તરફ ટ્રમ્પ કહે છે કે મને નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે જ્યારે બીજી તરફ વિદેશ મંત્રાલય કહે છે કે આ કોઇ સત્તાવાર કાર્યક્રમ નથી. સાથે સવાલ કર્યો હતો કે આ કાર્યક્રમ પાછળ થનારા કરોડો રૂપિયાના ખર્ચના પૈસા આવ્યા ક્યાંથી?
સાથે કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાત સરકાર ટ્રમ્પના સ્વાગત અને કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. માત્ર ત્રણ કલાકના ટ્રમ્પના કાર્યક્રમ પાછળ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વિદેશ નીતિ એક ગંભીર બાબત છે અને આ કોઇ ઇવેંટ મેનેજમેન્ટ નથી કે સરકાર ટ્રમ્પની પાછળ આટલા કરોડ રૂપિયા ખર્ચી રહી છે. નોંધનીય છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કોને કોને આમંત્રણ અપાશે તે વિદેશ મંત્રાલય નહીં કરે, આ કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં આ કાર્યક્રમમાં કોને બોલાવવામાં આવે છે કે નહીં તે તેમનો ખાનગી મામલો છે. તેથી જ કોંગ્રેસે હવે સવાલ કર્યો છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ છે કોણ? બીજી તરફ પહેલી વખત એવુ થઇ રહ્યું છે કે અમેરિકાના પ્રમુખને ભારતનું વિપક્ષનું એક પણ ડેલિગેશન નહીં મળે.