2015 અને 2016માં ગુજરાતમાં ચાલેલા આંદોલનો દરમિયાન બહાર નીકળેલા નેતાઓમાં એક નામ અલ્પેશ ઠાકોરનું લેવામાં આવે છે. ક્ષત્રિય સેના અને ઠાકોર સેના બનાવીને અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે આંદોલન કર્યું અને નેતા બન્યા. અલ્પેશ ઠાકોર ગુજરાતમાં હાર્દિક પટેલ સમોવડા નેતા બનવાની હોડમાં આવી ગયા હતા અને અંતે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભાની ટીકીટ આપી. વિધાનસભામાં માત્ર અલ્પેશ ઠાકોર જ નહીં પણ અલ્પેશ ઠાકોર સાથે તેમના અન્ય સમર્થકોને પણ ટીકીટ મળી. રાહુલ ગાંધીની સાથે સીધા ઓનલાઈન થયા. પરંતુ કોંગ્રેસમાં તેઓ ઝાઝા દિવસો ટકી શક્યા નહી. કોંગ્રેસે તેમને ટીકીટ ઉપરાંત સંગઠનના હોદ્દાઓની લહાણી પણ કરી હતી. અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા જીતી ગયા. અલ્પેશ ઠાકોરે 2017માં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરને 14,857 મતોથી પરાજ્ય આપ્યો.
પરંતુ ત્યાર બાદ આવેલી રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ જ નહીં પણ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું. તે વખતના ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવામાં સફળ રહ્યા. 2019માં રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી આવી. ભાજપે અલ્પેશ ઠાકોર પર જ દાવ રમ્યો અને કોંગ્રેસે રઘુ દેસાઈને ટીકીટ આપી. આ વખતે અલ્પેશ ઠાકોરનો દાવ ઉંધો પડ્યો. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે 3,807 મતે હારી ગયા.
આ હાર અલ્પેશ ઠાકોર માટે રાજકીય રીતે મોટું નુકશાન આણનારી બની રહી. ભાજપે અલ્પેશ ઠાકોરની શક્તિ માપી લીધી. યેન કેન રીતે કોંગ્રેસ રાધનપુરની સીટને સાચવી શકવામાં સફળ રહી. પરંતુ અલ્પેશ ઠાકોર માટે ભાજપમાં તેમની પોઝીશન માટે મોટો પ્રશ્નાર્થ મૂક્તી ગઈ છે. ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરને છાના-માના બેસી રહેવું પડ્યું છે અને ક્યાંય કશે પણ તેઓ ભાજપમાં વિશેષ રીતે એક્ટીવ જણાતા નથી. સોશિયલ મીડિયા પર તેમની વાતો તેમના સમર્થકો વાયરલ કરતા રહે છે પરંતુ ભાજપમાં અલ્પેશ ઠાકોર ક્યાં એ પ્રશ્ન તેમને અને તેમના સમર્થકોને આજની ઘડી થતો હશે એ સ્વભાવિક છે.
હવે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પ્રમુખ પદે જીતુ વાઘાણી નથી, સીઆર પાટીલ છે અને સીઆર પાટીલ આ વખતે અલ્પેશ ઠાકોર પર રાધનપુર વિધાનસભાને લઈને દાવ રમશે કે કેમ? તે એક યક્ષ પ્રશ્ન છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવા સમયે અનેક ભાજપના નેતાઓ નારાજ થયા હતા અને આજે પણ તેઓ નારાજ જ છે. તો 2022માં અલ્પેશ ઠાકોરને ફરી એક વાર ટીકીટ મળશે કે કેમ?એ પ્રશ્ન રાજકીય રીતે ચર્ચાસ્પદ બન્યો છે.