Gujarat : લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ ગુજરાતમાં ભલે માત્ર 26 બેઠકો હોય પરંતુ દેશના રાજકારણમાં આ રાજ્યનું ઘણું મહત્વ છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી બીજી વખત ટિકિટ આપી છે. બે કેબિનેટ મંત્રીઓ – પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ અનુક્રમે રાજકોટ અને પોરબંદરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે સતત બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી છે. જૂની પરંપરા જાળવી રાખવી પાર્ટી માટે વિશ્વસનીયતાનો પ્રશ્ન બની રહેશે.
શું કોંગ્રેસ આ વખતે આંકડા બદલી શકશે?
બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે 26-0નો આંકડો બદલવા માટે બેતાબ છે. ઈન્ડિયા એલાયન્સ હેઠળ કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બે બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ બેઠક પર AAPના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાત વખતના ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે ટકરાશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને તક આપી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ ગુજરાતમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ત્રણ મુલાકાત કરી છે.
શક્તિસિંહ ગોહીલ પાસે જવાબ નથી
ગુજરાતમાં કોંગ્રેસ કઈ સીટ જીતશે તે અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિહ ગોહીલ પાસે કોઈ જવાબ નથી.જોકે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે દાવો કર્યો છે કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ લોકસભા બેઠકો જીતશે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધનો વંટોળ છે. મતદાન નજીક આવતા ભાજપ સામેનો આક્રોશ વધુ જોવા મળશે. નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે.
કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જીતનાર કોંગ્રેસે 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી દેતાં હવે તેની સંખ્યા ઘટીને 13 થઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને નારણ રાઠવાએ પણ કોંગ્રેસ છોડી દીધી છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તહસીલ પંચાયતની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપ મોદીની ગેરંટી પર વોટ અંકે કરવામાં વ્યસ્ત
ભાજપ વિકાસ અને વિકસિત રાષ્ટ્ર તેમજ મોદીની ગેરંટી પર વોટ કેશ કરવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં મોદી ફેક્ટર દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા વધુ વોટ મળ્યા હતા. કોંગ્રેસ માટે વોટ શેરનો અંકુશ મેળવવો મુશ્કેલ પડકાર હશે. નોંધનીય છે કે 2019માં તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોને 50 ટકાથી વધુ મત મળ્યા હતા.