કુસંપ માટે યાદવાસ્થળી શબ્દ નહીં પણ હવે ભગવાસ્થળી શબ્દ ભાજપમાં અંદરખાને વપરાય છે. ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવામાં આવી તેમાં પ્રદીપ વાઘેલાનો ભોગ લેવાય ગયો છે. હવે શંકા હર્ષ સંઘવી તરફ જઈ રહી છે. ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપમાં ડખા છે.
અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવા એટલે સાધુ થવું એવો મતલબ છે. પણ ગુજરાતના આ ભગવા અંગ્રેજો તો સાધન નહીં પણ કેવા સેતાન છે તેની વિગતો છે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તાની વાત આવે છે. કુસંપની વાત છે.
આવો એક કુસંપ ગઈ વિધાનસભાની ચૂંટણી પછી તુરંત સુપર 16નો બહાર આવ્યો છે.
સુપર 16 કાંડ
ભારતીય જનતા પાર્ટીની સત્તાનો સૂરજ સોળે કળાએ ખીલી રહ્યો છે. એવા ટાણે અનેક નેતાઓનો ભોગ લેવાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીઓને માટે તમામ પક્ષોએ તલવારો ખેંચી લીધી છે, એવા સમયે સત્તાની સાઠમારીમાં રાચતા ભાજપના નેતાઓ રાજકીય મેદાનમાં હવે એકબીજાની ટાંટીયા ખેંચની રમત રમવામાં સક્રિય થઇ ગયા છે. એકબીજાને પાડી દેવાની રાજનીતિ ખેલી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી સમયે ભાજપે સુપર 16ની ટીમ રચી હતી. પહેલાં 12 લોકોની ટીમ હતી. પછી તેમાં 4 નેતાઓને ચુંટણી સમયે જોડવામાં આવ્યા હતા. સુપર 16 સભ્યોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, મહામંત્રી રજની પટેલ, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મહામંત્રી પ્રદીપ વાઘેલા, મહામંત્રી વિનોદ ચાવડા, પુર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી, હાલના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પુર્વ મંત્રી ગણપત વસાવા, પુર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ, પુર્વ કૃષિ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ તથા પૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ તથા ઉપપ્રમુખ ભરત બોઘરા અલગથી 17માં ખેલાડી હતા.
સુપર 16માંથી આજે આંગળીના વેઢે ગણાય એવા નેતાઓ જ પક્ષમાં હોદ્દા પર છે. બાકીનાને ફેંકી દેવામાં આવ્યા છે. તેમાંથી એક પછી એકના પત્તા કાપવામાાં આવ્યા હતા. છેલ્લી વિકેટ પ્રદિપ વાઘેલાની વિકેટ પડી છે. હર્ષ સંઘવીનું પત્તુ કપાવાની તૈયારી છે. હવે હર્ષ સંઘવીનો વારો આવી શકે છે. જૂથવાદના કારણે અગાઉ ભાર્ગવ ભટ્ટને વિદાય આપવામાં આવી હતી. જીતુ વાઘાણી પણ બાજુ પર હાંસીયામાં છે. નિતીન પટેલ ખોવાઈ ગયા છે. શંકર ચૌધરીને પ્રધાન બનાવાયા નથી. ગણપત વસાવાનું નામ પત્રિકા કાંડમાં છે. રણછોડ ફળદુ હવે જામનગરના દરિયાની હવા ખાય છે. ભુપેન્દ્ર ચૂડાસમાની હવે પક્ષમાં કોઈ કિંમત રહેવા દીધી નથી. જયારે આ બધા નેતાઓમાં ઉપપ્રમુખ ભરત બોઘરા હાલ સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ છે. ભરત બોઘરા સુપર 16માં 17મા ખેલાડી તરીકે પાવરફૂલ નેતા છે. બાકી મોટાભાગના નેતાઓ ચૂંટણી પછી જૂથવાદના વાવાઝોડામાં પતરાના મકાનની જેમ ઉડી ગયા છે.
વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું હવે સંગઠનમાં કોઈ મહત્વના સ્થાને નથી. આર.સી.ફળદુ તથા ભુપેન્દ્રસિંહ ચુડાસમા નિવૃત છે. સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપપ્રમુખ પદેથી પડતા મુકાયા હતા.
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સ્થાનિક કક્ષાએથી લઇને પ્રદેશ કક્ષાએ મોટી હલચલ જોવા મળી રહી છે. જૂથવાદ અને ભ્રષ્ટાચારનો રેલો તેમના ટોચના નેતાઓના પગ સુધી આવવા દેતો નથી. તે પહેલાં તેના હોદ્દા અંગત કારણો બતાવીને છીનવી લે છે.
ગુજરાત ભાજપાના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન ફુંકાવાનો ચાલુ થઇ ગયો છે. 3 મહામંત્રીઓના રાજીનામાને લઈને ભાજપાનું આંતરિક રાજકારણ બહાર આવ્યું છે. ગુજરાતની રાજનીતિમાં અસર થઈ છે. રાજીનામાને લઈને ગામથી પ્રદેશ કક્ષા સુધી બધું બરાબર ચાલી રહ્યું નથી. ચોક્કસ જૂથ દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદો થાય છે, તેને જ સાંભળવામાં આવે છે.
ગુજરાતમાં સંગઠનના માળખામાં મચેલી હલચલ લોકસભાની ચૂંટણીને અસર કરી શકે છે. ભાજપમાં વિરોધી જૂથના નેતાઓની અશિસ્તની ફરિયાદો હવે દિલ્હી દરબાર સુધી પહોંચી છે. લોકસભાની ચૂંટણી નજીકમાં હોવાથી મોવડીઓનું ભાજપ આ તમામ વિરોધી જૂથો સામે હથિયાર હેઠા મૂકીને બેઠું છે. ભાજપનું હાઈ કમાન્ડ હાલમાં લોકસભાની તૈયારીઓમાં વ્યસ્ત છે.
ભાજપમાં ચાર ઝોનમાંથી ચાર મહામંત્રીઓ અને રાષ્ટ્રીય સંવયંમસેવક સંઘમાંથી ભાજપના પ્રતિનિયુક્તિ માટે મોકલવામાં આવતાં એક સંગઠન મહામંત્રી એમ પાંચ મહાસચિવો કે મહામંત્રીઓ હોય છે. જે પ્રદેશ પ્રમુખ પછી સત્તા ધરાવે છે. ચાર ઝોનમાંથી વાઘેલા અને ભાગર્વ ભટ્ટના રાજીનામા લઈ લેવાયા છે. સંઘના ભૂખુભાઈ દલસાણીયાને ગુજરાતના સંગઠન મહા સચિવ પદેથી ગુજરાત બહાર ધકેલી દેવાયા ત્યારથી પક્ષની માઠી બેઠી છે. આવા અનેક કાંડ થયા છે.
ગુજરાતમાં 156 બેઠકો લાવવામાં સુપર 16 જૂથે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે પક્ષને જીતવા માટે વ્યૂહરચના બનાવી આપી હતી. આજે આ જૂથ ક્યાંય નથી. તેમને કોણે ખતમ કર્યા તે સવાલનો જવાબ તો ચંદ્રકાંત પાટીલ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી તથા સંઘ આપી શકે. પણ આ વિગતો પછી પ્રજા સારી રીતે જાણી ચૂકી છે કે સુપર 16ને ખતમ કોણે કર્યા?
નોંધ :- આવતી કાલે ભાજપમાં થયેલો ચપ્પલ કાંડ રજૂ થશે. કયા જૂથે ચપ્પલ કાંડ રચ્યો અને તેના પરિણામો સરકાર અને પક્ષ કેવા ભોગવી રહ્યો છે. તેની વાત આવતી કાલે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube