ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરોની પૂછપરછમાં પુનાના વિશાલ કાંબલેનું નામ બહાર આવ્યું છે. જો કે વિશાલ કાંબલે પૂનામાં ફાયરિંગ અને હત્યા કેસમાં યેરવડા જેલમાં કેદ છે. જેની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલી બે પિસ્તલ નાસીક ખાતે વાલદેવી નદી કિનારે દેવલાલી કબ્રસ્તાન પાછળથી દાટેલા મળી આવ્યા છે.
જયંતી ભાનુંશાળી હત્યા કેસમાં પોલીસે પ્રથમ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં શાર્પ શૂટરોને આશરો આપનારા રાહુલ પટેલ અને નીતીન પટેલની ધરપકડ કર્યા બાદ પૂનાના શાર્પ શૂટર શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટીયા દાદા ( ઉ.વ. ૩૮) તથા જમીન દલાલ અશરફ અનવર શેખ (રહે: લક્ષ્મીનગર, યરવડા પૂણે મહારાષ્ટ્રની તા. ૧૭ ફેબુ્રઆરીના રોજ ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારાથી ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી હતી જેમાં અમેરીકા ભાગી ગયેલા છબીલ પટેલની મુખ્ય ભુમિકા બહાર આવી હતી. શાર્પ શૂટરોને મુંબઇના મોલમાં સોપારી આપવામાં આવી હતી ત્યારબાદ પૂણેથી શશીકાંત કાંબલે ત્રણ વખત ગુજરાત આવ્યો હતો. બે વખત પૂણેથી અમદાવાદ આવેલા શશીકાંતને છબીલ પટેલ કચ્છ લઇ ગયા હતા અને જયંતી ભાનુશાળીનું મકાન બતાવ્યું હતું. જ્યારે અશરફ અને વિશાલ કાંબલે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા અને રેકી કરીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
પકડાયેલા શશીકાંત કાંબલે અને અશરફ શેખે કબૂુલાત કરી હતી કે તેઓએ ભાનુંશાળીની હત્યા કર્યા બાદ બાઇક પર બેસીને રાજસ્થાન તરફ નાસી ગયા હતા જે બાઇક રાધપુર પાસે બિનવારસી હાલતમાં મૂક્યું હતું તે પોલીસે કબજે કર્યું હતું. ઉપરાંત વપરાયેલા બે પિસ્તલ નાસીક ખાતે વાલદેવી નદી કિનારે દેવલાલી સ્મશાન પાછળ દાટયા હતા. જે વેપન પોલીસે કબજે કર્યા છે.
બીજી તરફ ભાનુશાળીની હત્યામાં વિશાલ કાંબલેનું નામ બહાર આવ્યું હતું જેમાં આરોપીઓ ત્રણ હથિયારોની લખનૌથી ખરીદી કરી હતી જે પૈકી એક પિસ્તલથી વિશાલએ પૂનામાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરી હતી તે ખૂન કેસમાં ભાનુશાળીની હત્યાના બે દિવસ પહેલા પોલીસે વિશાલ કાંબલેની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપ્યો હતો.
ગુજરાત સીઆઇડી પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે વિશાલ કાંબલેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ભાનુશાળી હત્યા કેસમાં વિશાલ કાંબલે શાર્પ શુટરો સાથે હત્યાના કાવતરામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.