ભીલાડ નજીક તલવાડા હાઈવે ઉપર આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગ બુઝાવવા ઉમરગામ, સરીગામ, વાપી અને દમણથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ એટલી ભીષણ હતી કે રાતથી સવાર સુધી બુઝાવવાની કામગીરી ચાલતી રહી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
પ્રાપ્ત સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભીલાડ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ તલવાડા ગામ ખાતે આવેલી પ્લાયવુડ બનાવતી ટાઈમેક્સ ડોર ટાઈમેક્સ પ્લાયવૂડ લકી પ્લાયવુડ નેમીલેટ્સ નામની કંપનીમાં શનિવારે રાત્રે કોઈક કારણસર અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તલવાડાના ગામ લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વધુમાં કંપની નજીકમાં જ એક પેટ્રોલ પંપ આવેલો હોવાથી અહીંથી પેટ્રોલ પંપ ઉપર હાજર માણસોએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.
પ્લાયવુડની કંપનીમાં આગ લાગવાની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉમરગામ, સરીગામ, વાપી અને દમણ ફાયર- ફાઈટરની ટીમ દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે રાતથી સવાર સુધી ફાયર ફાયટરોની ટીમને આગ ઉપર કાબુ મેળવવા કામગીરી કરવી પડી હતી. કંપનીમાં લાગેલી આગમાં લાખો કરોડો રૂપિયાનું પ્લાયવુડ સરસામાન બળીને ખાખ થઇ જતાં મોટુ નુકશાન થયુ હતું. આ લખાઈ રહ્યું છે ત્યાંરે રવિવારે સાંજ સુધીમાં સત્તાવાર રીતે ભીલાડ પોલીસ સ્ટેશનમાં આગના બનાવની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. આગમાં કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી.