કોરોના કહેર વચ્ચે લોકડાઉનમાં ફી મુદ્દે દબાણ કરતી શાળાઓ વિરૂદ્ધ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. શિક્ષણ વિભાગની ગાઇડલાઇન બાદ પણ શાળા સંચાલકો પોતાની મનમાની કરતા શિક્ષણ વિભાગે હવેથી શાળાઓને વાલીઓને 3 મહિના સુધી ફી મુદ્દે પણ દબાણ નહીં કરવાનો આદેશ આપી દીધો છે.
આજનાં દિવસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શાળા, કોલેજો શરૂ કરવા મામલે તેમજ ફીની ઉઘરાણીનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળા સંચાલકો વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કડક આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગની બેઠકમાં સ્કૂલો દ્વારા પુસ્તકો અને ટ્રાસ્પોટેશનની લેવાતી ફી અંગે ચર્ચા થઇ હતી. તદુપરાંત શિક્ષણ વિભાગનાં બજેટમાં કાપ મુકવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી.