Gujarat: સુરત લોકસભા સીટ પર કોંગ્રેસ માટે સૌથી મોટા અને બેડ ન્યૂઝ આવી રહ્યા છે. સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઉમેદવારી ફોર્મ પર ત્રણ ટેકેદારોઓ એફિડેવિટ કરીને કરેલા સોંગધનામા બાદ ભાજપે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવા રજૂઆત કરી છે અને આવતીકાલે 11 વાગ્યે આ અંગે સુરતના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે.
કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે તેમના બનેવી, એક અંગત મિત્ર અને તેમના બિઝનેસ પાર્ટનરે ટેકેદાર તરીકે સહી કરેલી છે. પરંતુ ફોર્મ ચકાસણીના સમયે ત્રણેય જણાએ ટેકેદાર તરીકે પોતે સહી નહીં કરી હોવાની એફિડેવિટ રજૂ કરી ટેકેદાર તરીકે પોતાના નામને ખોટી રીતે લખવામાં આવ્યું હોવાનું સોગંધનામું કર્યું છે. આ બાબતે સુરત ભાજપના લીગલ સેલ દ્વારા વાંધો ઉઠાવી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ કરવા માટે આક્રમક રજૂઆત કરવામાં આવી છે.
ભાજપ દ્વારા લીગલ પોઈન્ટ ઉપસ્થિત કરીને ઉમેદવારી પત્ર રદ્દ કરવાની માંગ કરવામાં આવતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. આવતીકાલે 11 વાગ્યા સુધીમાં નિેલેશ કુંભાણીને ટેકેદારોને કલેક્ટર સમક્ષ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે. મહત્વના ઘટનાક્રમમાં ત્રણેય ટેકેદારો હાલ જડી રહ્યા નથી અને તેમના મોબાઈલ ફોન પણ બંધ હોવાનું કોંગ્રેસ સૂત્રો જણાવી રહ્યા છે.
જો નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય ઠરે છે સમગ્ર દેશમાં સુરતમાંથી ભાજપ જીતનું ખાતું ખોલાવશે. સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ભાજપના સમગ્ર દેશમાં ભાજપના સૌ પ્રથમ વિજેતા ઉમેદવાર બનશે અને તેઓ બિનહરીફ ચૂંટાઈ શકે છે એવી સ્થિતિ હાલ નિર્માણ થઈ છે.