ગુજરાતમાં ૧૯મી માર્ચના રોજ લેવાનારી ડિસ્ટ્રીક્ટ જજની પ્રીલિમિનરી પરીક્ષા અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી દિવસોમાં ફરી જાહેર કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાના વધી રહેલા કેસો અને મહામારીની પરિસ્થિતિના કારણે ૧૯મીના રોજ નિર્ધારિત થયેલી ડિસ્ટ્રીક્ટ જજ કેડરની પ્રીલિમિનરી અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી દિવસોમાં હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટના કાયદા ભવનમાં આજથી મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટના એસ.સી.એ. વિભાગનો એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ ગત એક અઠવાડિયામાં કાયદા ભવનના ચાર કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. તેથી આ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તેમજ અન્ય કર્મચારીઓના અત્યારે ટેસ્ટ હાથ ધરાઇ રહ્યા છે.
