ગુજરાતમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા માટે આવતીકાલથી વધુ એક ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. સવાર સવારમાં દૂધ લેવા જાઓ અને દુકાનદાર વધારે રૂપિયા માગે તો ચોંકતા નહીં. કોરોનામાં લોકોના ખિસ્સા ખાલી રહ્યા છે. હાલમાં મોંઘવારીના ઊંચા દર વચ્ચે કોમનમેનને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખશે.સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં અસહ્ય ભાવ વધારો થયો છે ત્યારે આ ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં વધારાને કારણે અમૂલે દૂધની વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસના કહેર પછી મોંઘવારી એ તો માઝા મૂકી છે. કપરા કાળમાં વિવિધ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. શાકભાજી સહિતની રોજીંદી જરૂરીયાતના વપરાશ માટે રૂપિયા વધારે ખર્ચાશે. બીજી તરફ ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ સો રૂપિયાને પાર પહોંચ્યુ છે, ત્યારે બીજી તરફ હવે આ ભાવનો વધારો વિશ્વ વિખ્યાત અમૂલને પણ નડ્યો છે. અમૂલે દૂધની વિવિધ બ્રાન્ડમાં ભાવમાં વધારો કરતાં સામાન્ય માણસે હવે દૂધ પીવા માટે પણ વધુ ખર્ચ કરવો પડશે, વધતી જતી મોંઘવારીએ તો સાવ કમર તોડી નાખી છે.
