પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા ફરી એક વાર ગોધરા ખાતે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વખતે તેમણે દારુ વગર ચૂંટણી જીતાતી ન હોવાનું નિવેદન કરી ગુજરાતની ભાજપ સરકારની દારુબંધીની નીતિના ધજાગરા ઉડાડયા હતા.
પ્રભાતસિંહે જણાવ્યું હતું કે, આગામી 3 ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચૂંટણી તેઓ લડશે અને વિજયી પણ બનીશ. તેમ જ પંચમહાલ જિલ્લામાં તેમને હરાવી શકે તેવું કોઈ છે નહીં, વધુમાં તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી. પંચમહાલ જિલ્લાના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ વિવાદિત નિવેદનો તેમ જ ચૂંટણી ટાણે ટિકિટ મેળવવા માટે પણ રાજકીય રમત રમવા માટે જાણીતા છે, ત્યારે આજે ગોધરા ખાતે તેઓ દ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું.
ગોધરા ખાતે લોક જન શક્તિ પાર્ટી દ્વારા આજે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરોના પડતર પ્રશ્ર્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર આપતા પહેલા લોક જન શક્તિ પાર્ટી દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં ગુજરાત દલિત સેનાના અધ્યક્ષ મુકેશ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અચાનક જ પંચમહાલના ભાજપના સાંસદસભ્ય પ્રભાતસિંહ પણ સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયા હતા.
પ્રભાતસિંહે બેઠકમાં ઉપસ્થિત તમામને સંબોધતા નિવેદન કર્યું હતું કે ગત લોકસભાની ચૂંટણીઓ દરમિયાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ હું 2.5 લાખની બહુમતીથી હું જીતવાનો જ છું અને આગામી 3 ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડવાનો છું. દરમિયાન પંચમહાલ જિલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નહીં, તેમ જ પહેલા ચૂંટણી વાઈન વગર જીતાતી નહોતી. પણ મેં દારૂ જોયો નથી. 2009 માં શંકરસિંહને હરાવ્યા અને 2014 માં અમૂલના ચેરમેનને પણ મેં હરાવ્યા છે અને 2019 માં પણ હું જ જીતવાનો છું 2.5 લાખની લીડથી હું 2019 માં જીતવાનો છું, આગામી 3 ટર્મ સુધી હું જ લોકસભા લડવાનો છું. પહેલા વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નહોતી, પણ મેં વાઈન જોયું નથી અને અડ્યો પણ નથી, જાહેરમાં આવું મારે ન કહેવું જોઈએ, હું કંઠી ધારી છું.