રાધનપુરના વિકાસ માટે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નવા થનગનાટ સાથે પગરવ માંડ્યા છે. અલ્પેશ ઠાકોર જેવા યુવા ધારાસભ્યએ રાધનપુરના વિકાસ માટે બીડું ઝડપી લેતા રહીશોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.
રાધનપુરમાં બ્રિટીશ સરકારના ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વૈનની મુલાકાત રાધનપુરના વિકાસ માટે મહત્વની માનવામાં આવે છે. વિકાસ કાર્યોને લઈને રાધનપુરની સતત અવગણના થઈ રહી હતી તેવામાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના યુવાનો અને મહિલા ઉપરાંત વડીલો માટે કશુંક નક્કર કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રોજગારી, શિક્ષણ અને પાણીની સમસ્યા પર તેમનો ફોકસ જોવા મળ્યો.
સમગ્ર દિવસ દરમિયાન જ્યોફ વૈનને રાધનપુરના જુદા-જુદા સંગઠનો સાથે મુલાકાત કરાવી હતી. ખાસ કરીને દરિયાના ખારા પાણીને પીવા લાયક કેવી રીતે બનાવી શકાય તે અંગે વિચારોની આપ-લે કરવામાં આવી હતી. જ્યોફ વૈને બ્રિટનની સરકાર દ્વારા સહાયની ખાતરી આપી હતી. રોજગારી, શિક્ષણ તથા મહિલા સશક્તિકરણ તેમણે ભાર મૂક્યો હતો.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે બ્રિટીશ ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વૈને રાધનપુરની મુલાકાત લીધી તે રાધનપુરની જનતા માટે ગૌરવરૂપ બાબત છે. રાધનપુરના વિકાસ માટે હર હંમેશ તત્પર છીએ. વિકાસની નવી દિશા ખુલી રહી છે. બેરોજગારી દુર થાય, રોજગાર મળે, મહિલાઓને પ્રોત્સાહન મળે તે હતુ સાથેની આ મુલાકાત અનેક રીતે રાધનપુર માટે લાભદાયી બની છે. દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવવાની યોજના પર પણ વિચાર કરવામાં આવ્યો છે.
રાધનપુરના થરા ખાતે આયોજિત ગ્રામવાસીઓની સભાને સંબોધિત કરતી વખતે અલ્પેશ ઠાકોરે રાધનપુરની સમસ્યાઓનો ચિતાર રજૂ કર્યો હતો. તેના જવાબમાં જ્યોફ વૈને કહ્યું કે રાધનપુરને વિકસિત કરવા માટે બનતી તમામ મદદ કરવા બ્રિટન તૈયાર છે. માત્ર યુકે જ નહીં પણ યુરોપના અન્ય દેશોમાંથી રાધનપુરમાં લોકો આવે તે માટે પોઝીટીવલી કાર્ય કરવામાં આવશે.
જ્યોફ વૈને બારેક સંગઠનો સાથે ચર્ચા કરી હતી. ઠાકોર સેનાના આગેવાનો સાથે પણ પરામર્શ કર્યો હતો. મહિલાઓ દ્વારા બનાવેલા હેન્ડવર્કના કલાકારીને બિરદાવી હતી. અંદાજે નવ જેટલા સમાજની મહિલાઓ સાથે જ્યોફ વૈને વાતચીત કરી હતી. ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓના સંગઠનોમાં ઠાકોર સમાજ ઉપરાંત દલિત,ચૌધરી, માઈનોરીટી,રબારી-ભરવાડ સહિતના અન્ય સમાજોની મહિલાઓના ગૃહ ઉદ્યોગનું નિરીક્ષણ કરી તેમની કલા-કારીગરીના વખાણ કર્યા હતા અને સહાય આપવાની ધરપત આપી હતી.
જ્યોફ વૈન અને અલ્પેશ ઠાકોરે દિવસ દરમિયાન નવ જેટલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યોફ વૈન અને અલ્પેશ ઠાકોરની જોડી રાધનપુરના વિકાસની નવી ક્ષિતિજો આલેખવા પ્રતિબદ્વ હોવાનું જણાઈ આવી રહ્યું છે.
રાધનપુરમાં આ ઈવેન્ટથી ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. લોકોએ હોઁશે-હોંશે કાર્યક્રમને વધાવી લીધા હતા. થરાની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.