Chandola crackdown : ચંડોળામાં ધમાકેદાર એક્શન: બાંગ્લાદેશી ઝડપાયા, 4000 મકાન તૂટ્યાં!
Chandola crackdown : અમદાવાદ શહેરમાં વિદેશી ઘૂસણખોરી અને દબાણના પ્રશ્નને ઉકેલવા માટે એક અત્યંત મોટું અને કડક પગલું ભરાયું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં એક મેગા ડિમોલિશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓએ જોડાઈને ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેર કરેલું કે અત્યારસુધીમાં માત્ર ચંડોળા વિસ્તારમાંથી જ કુલ 190 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપવામાં આવ્યા છે, જ્યારે સોલા અને ઓઢવમાંથી પણ કેટલાક વિદેશી પકડાયા છે. તમામ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે અને તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે.
લલ્લા બિહારીનો પર્દાફાશ: ‘ધંધાનો પેકેજ’ આપવા આરોપ
આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી તરીકે લલ્લા બિહારીનું નામ સામે આવ્યું છે. તેને રાજસ્થાનથી ઝડપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 મે 2025ના રોજ ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. લલ્લા બિહારીને વિદેશી ઘૂસણખોરોને ભારતમાં રહેવા માટે ‘આશરો’, ‘મકાન’, ‘ દસ્તાવેજો’ અને ‘ધંધાનો પેકેજ’ આપવાનો આરોપ છે. સરકારના વકીલ અનુસાર, આરોપીએ ગેરકાયદે રીતે વીજળીના કનેક્શનો મેળવ્યા હતા અને આ તમામ બાબતોની તપાસ માટે તેને રિમાન્ડની જરૂર છે.
4000 મકાન તોડાયા, દોઢ લાખ ચોરસ મીટર જમીન સાફ
ચંડોળા તળાવ વિસ્તારને દબાણમુક્ત બનાવવા માટે ચલાવાયેલા અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં 4000 જેટલાં ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તેના પરિણામે દોઢ લાખ ચો.મી.થી વધુ જમીન મુક્ત થઈ છે. આ કાર્ય ચંડોળા તળાવના વિકાસ માટેના પહેલાના તબક્કાનો ભાગ છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારએ જણાવ્યું હતું કે, આ ખુલ્લી કરાયેલી જમીન પર હવે તળાવમાં પાણી ભરવાની કામગીરી થશે અને જે જગ્યાએ ટોરન્ટ પાવરના કનેક્શનો આપવામાં આવ્યા હતા એની પણ તપાસ હાથ ધરાશે.
ચંડોળા તળાવ ડેવલપમેન્ટ: 7 તબક્કામાં વિકાસ, પ્રથમ તબક્કામાં 27 કરોડનો ખર્ચ
ચંડોળા તળાવના નવા વિકાસ યોજના અંતર્ગત તળાવના વિસ્તારને ફરીથી નવી જોત આપવાની યોજના છે. સાત તબક્કામાં તળાવનું વિકાસ કાર્ય હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં 27 કરોડના ખર્ચે વોકવે, જંગલ-જિમ જેવી સુવિધાઓ ઊભી કરાશે. તળાવમાં નર્મદાનું પાણી ભરવાની યોજના છે જેથી વિસ્તારમાં હરીયાળી અને તાજગી રહે.
ભવિષ્યની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા
અત્યારસુધીનું ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું. હવે બીજા તબક્કા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા ચાલુ છે. IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને તેનો અહેવાલ રાજ્ય તથા કેન્દ્ર સરકારને આપવામાં આવશે. જેમ જેમ વિદેશી નાગરિકોની ઓળખ થશે, તેમ તેમ તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેમને તેમના દેશ પરત મોકલવામાં આવશે.
ચંડોળા તળાવ કેસ માત્ર દબાણ હટાવવાનો મુદ્દો નથી, પણ આ સમગ્ર પ્રકરણમાંથી આશય સ્પષ્ટ છે કે હવે અમદાવાદ જેવા શહેરોમાં ગેરકાયદે ઘૂસણખોરી અને દબાણ સામે સરકાર અને તંત્ર સક્રિય છે. આ અભિયાન માત્ર શહેરી વ્યવસ્થાને સુધારવાનું નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે.