Chandola Lake land mafia arrest : ચંડોળાના ભૂમાફિયા લલ્લા બિહારીને કોર્ટમાં હાજર કરાયો, 6 દિવસ માટે રિમાન્ડ પર મોકલાયો
Chandola Lake land mafia arrest : ચંડોળા તળાવની ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી વચ્ચે ભૂમાફિયા તરીકે ઓળખાતા મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે પોલીસની 14 દિવસના રિમાન્ડની માગણી સામે લલ્લા માટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજસ્થાનથી ઝડપાયો લલ્લા, પુત્ર ફતેહ પહેલા જ ધરપકડમાં
ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામ મુદ્દે જ્યારે તોડફોડની કાર્યવાહી શરૂ થઈ ત્યારે લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ બંને ફરાર થઈ ગયા હતા. જોકે, થોડા સમય પહેલા ફતેહ પકડાયો હતો અને હવે રાજસ્થાનથી લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ત્યાર બાદ તેને આજે કોર્ટે રિમાન્ડ માટે રજૂ કર્યો હતો.
કાયદાની અનેક કલમો હેઠળ ફરિયાદ, રોકડ અને સોનાની દસ્તી
પોલીસના જણાવ્યા અનુસાર લલ્લા વિરુદ્ધ ખોટા દસ્તાવેજ તૈયાર કરવો, ગેરકાયદેસર વીજ કનેક્શન અપાવવો અને ઈલેક્ટ્રિસિટી એક્ટ સહિત વિવિધ ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેની ધરપકડ વખતે તેના ઘરેથી અંદાજે 9 લાખ રૂપિયા રોકડ અને થોડું સોનું પણ જપ્ત કર્યું છે. તપાસના ભાગરૂપે વધુ વિગતો બહાર લાવવા તેની હાજરી જરૂરી હોવાનું પોલીસનું કહેવું છે.
કોર્ટમાં બંને તરફથી દલીલો, અંતે 6 દિવસના રિમાન્ડ
રાજ્યના મુખ્ય સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડ માટે દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે લલ્લા પઠાણ આખા કેસનો મુખ્ય આરોપી છે અને તેની પૂછપરછ માટે ફુલ રિમાન્ડ જરૂરી છે. વધુમાં પિતા અને પુત્રનું સંયુક્ત ઇન્ટરોગેશન, ખોટા દસ્તાવેજોની ચકાસણી, બાંગ્લાદેશી રહેવાસીઓ સાથેના કનેક્શન સહિત અનેક મુદ્દાઓની તપાસ બાકી છે.
બીજી તરફ લલ્લા તરફના વકીલે દલીલ કરી કે ઘણા મુદ્દાઓ માટે આરોપીની હાજરી જરૂરી નથી અને ઘણી માહિતી તપાસ એજન્સી પહેલેથી મેળવી ચૂકી છે. તેમણે કહ્યું કે મીડિયામાં પ્રત્યે દિવસ નવા ખુલાસા થતાં હોવા છતાં આરોપીની હાજરી માગવી એટલી અસરકારક નથી.
આગળની કાર્યવાહી પર તમામની નજર
અત્યારે લલ્લા બિહારી પોલીસ કસ્ટડીમાં છે અને આગામી 6 દિવસ દરમિયાન તેની પૂછપરછ ચલાવાશે. ચંડોળા તળાવ અને આસપાસની જમીન ગેરકાયદેસર રીતે કબજાવવાના મામલામાં આવતા દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.