રાજ્યના કડીમાં માજી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલને ગાયે અડફેટે લીધા બાદ આજે પોરબંદરમાં નિકળેલી હર ઘર તિરંગા યાત્રા દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી જતા અફરા તફરી મચી ગઇ હતી.
જોકે, આ વખતે ચૂસ્ત વ્યવસ્થા હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલીમાં આ આખલાઓ તેઓને અડફેટે લે પહેલા દૂર કરાયા હતા.
મુખ્યમંત્રી જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વે સાથે જઇ રહ્યા હતા. તે સમયે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા, જેથી કરીને રખડતા પશુઓ મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર ના આવી શકે, તેમ છતા પણ મુખ્યમંત્રીના કાફલામા આખલો ઘુસી આવ્યાની ઘટના બનવા પામી હતી.