વાયુ વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતથી આફત ટળી છે. ભગવાન સોમનાથ મહાદેવ, ભગવાન દ્વારકાધીશ અને હરસિદ્ધિ માતાની કૃપાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. ‘વાયુ’ વાવાઝોડાએ ટર્ન લીધો. તેમ છતા પણ હજુ આપણે સતર્ક રહેવાનું છે. વાવાઝોડું જ નહીં પરંતુ વરસાદના કારણે કોઇ નુકસાની ન થાય તે માટે સજ્જ છીએ. NDRF અને PGVCLની ટીમ ખડેપગે છે. હજુ પણ તમામ ટીમો જેતે સ્થળે રહેશે. આવતીકાલે સવારે સમીક્ષા બેઠક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે પણ 10 જિલ્લાની શાળાઓ બંધ કરવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને ચિંતા હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત સંપર્કમાં હતા. તેમણે મારી સાથે ફોન પર વાત કરી હતી. તમામ પરિસ્થિતિ વીશે તેમને જાણકારી આપવામાં આવી હતી. અને તમામ મદદ માટે તેઓ તૈયાર હોવાનું કહ્યું હતું.