2017ની વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસની શું 80 સીટો આવી કે, જાણે કોંગ્રેસ કુદવા માંડી હતી, પરંતુ લોકસભા આવતા- આવતા જાણે કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો ઉપર વિકેટો ખડવા માંડી છે. જાણે રાહુલ ગાંધીએ બનાવેલી બાજી વિખેરાવા માંડી છે.
રાહુલ ગાંધી અને પ્રયિંકા ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસની ગુજરાતમાં પ્રથમ વખત વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાક કરવાની છે, પરંતુ ગુજરાતમાં હાલ જે પ્રકારનો માહોલ છે. તેને જોતા તો એવું લાગી રહ્યું છે કે, આ વર્કિંગ કમિટીમાં લોકસભાની ચૂંટણીની રણનીતિ પહેલા ડેમેજ કંટ્રોલ રણનીતિ ઘડવામાં આવશે. જોકે જે રીતે એક પછી એક ધારાસભ્યોની વિકેટ ખડી રહી છે. તેને જોતા હવે પ્રદેશ કોંગ્રેસ ઊંઘમાંથી ઉઠી હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે જ તો રાહુલ ગાંધીની મુલાકાત પહેલા ડેમેજકંટ્રોલ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં બેઠકોનો દૌર જામ્યો છે.
જોકે બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે, કોંગ્રેસમાંથી હજૂ પણ વિકેટો ખડી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ચંદ્રિકાબેન બારિયા સહિતના નેતાઓ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરી શકે છે.
મહત્વનું છે કે, કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને પક્ષપલટાથી બચાવવા માટે કામગીરી તો શરૂ કરી દીધી છે, પરંતુ સવાલ એ છે કે, ભાજપના નેતાઓ પાસે કોંગ્રેસના નેતાઓની એવી તો શું દુખતી રગ છે કે, ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. શું ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને બ્લેકમેલિંગ કરી રહ્યું છે. આવા અનેક સવાલો છે. જેનો જવાબ તો હવે કોંગ્રેસ અને તેના પક્ષપલટુ ધારાસભ્યો જ આપી શકશે.