ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. કોંગ્રેસનું ઘર લાક્ષાગૃહ બની ગયું છે. ધારાસભ્યોને સાચવી ન શકેલી કોંગ્રેસની ગુજરાતની નેતાગીરી હવે વીલે મોઢે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવાનો ડોળ કરી રહી છે અને પહેલી ઓગષ્ટથી રાજ્યમાં જનસંપર્ક અભિયાન શરુ કરવાની જાહેરાત કરીને હાઈકમાન્ડને એ બતાવવાની કોશીશ કરી રહી છે કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે. કોંગ્રેસે રુપાણી સરકાર સામે વિવિધ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.
ગુજરાત કોંગ્રેસે પહેલી તારીખે કોંગ્રેસ ‘શિક્ષણ બચાવો અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે તો ૨જી તારીખે કોંગ્રેસ ‘સંવેદનાહીન સરકાર આરોગ્ય બચાવો અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે. ૩જી તારીખે કોંગ્રેસ ‘અન્ન અધિકાર અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે. ૪થી તારીખે ‘મહિલા સુરક્ષા અભિયાન’ ના નામે કાર્યક્રમ કરશે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ટીકીટોની વહેંચણીમાં કૂલડીમાં ગોળ ભાંગ્યો હતો અને મામા-માસીવાળા તથા ગોડફાધરીયા કલ્ચરને અગ્રીમતા આપી ટીકીટોની વહેંચણી કરી હતી. ખુદ ભરતસિંહ કે ચાવડાના વફાદારોને પણ ટીકીટ આપવામાં આવી ન હતી.
સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટોમા અહેમદ પટેલ જૂથના નેતાઓ એક થઈ ગયા હતા. પરેશ ધાનાણી, સિદ્વર્થ પટેલ, અર્જુન મોઢવડિયા અને ગૌરવ પંડ્યા સહિતના નેતાઓએ ટીકીટોની વહેંચણીમાં અમિત ચાવડાને ફિક્સમાં મૂકી દીધા હતા. જ્યારે શક્તિસિંહ ગોહિલ, રોહન ગુપ્તાએ દિલ્હીમાં પોતાના જૂથની કમાન સંભાળી મહત્તમ ટીકીટો પોતાના વફાદારોને મળે તે પ્રમાણે વ્યૂહરચના ઘડી હતી અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. દેખીતી રીતે અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ ટીકીટ આપવા માટે છેલ્લી ઘડીએ પીછેહઠ કરવાનો વારો આવ્યો હતો.
કોંગ્રેસ પાસે અનેક મુદ્દા છે પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાત કોંગ્રેસ લોકો વચ્ચે તમામ મુદ્દાઓને લઈ જવામાં નિષ્ફળ રહેલી જણાય છે. સોશિયલ મીડિયા પર રોષ ઠાલવવો અલગ બાબત છે. પ્રેસ કોન્ફરન્સ કે નિવેદન આપીને વાત રજૂ કરી અલગ છે અને લોકોનું સાચમસાચ સમર્થન મેળવવું એક સાવ જ અલગ બાબત છે. કોંગ્રેસ હજુ પણ ગોતે છે કે કેવી રીતે લોકોની વચ્ચે જવું અને જવું તો ક્યા ચૌઘડીયામાં?