ગુજરાતમાં કોરોના સંક્રમણનો કહેર એટલો બધો વધી ગયો છે કે કોરોનાએ રાજકારણથી લઇને બોલીવુડ જગત તેમજ રમતગમત સુધી તમામ ક્ષેત્રોમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોનાના નવા 2220 કેસ નોંધાતા રાજ્યમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે. આ સાથે જ વધુ 10ના મોત થતા કુલ મૃત્યુઆંક પણ 4510 એ પહોંચી ગયો છે. ત્યારે તાજેતરમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ડાયરેકટર ઑફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. આ શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન પોતે લેખિકા પણ હતાં. તેઓએ દીકરીઓ માટે ‘ખીલતી કળીને વ્હાલ’ પુસ્તક પણ લખ્યું હતું. આ સિવાય સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે. તાજેતરમાં જ અમદાવાદની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિધાનસભા ગૃહમાં પણ નેતાઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે એવામાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે.બી. પારડીવાલા હાઇકોર્ટના 5 સિનિયર મોસ્ટ જજમાંના એક છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ૩ જજ કોરોના સંક્રમિત થયા હતાં. જેમાં જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતાં. જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે મોત થયું હતું. ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે કેસો નોંધાતા તંત્ર વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. હાલમાં IIM માં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. ત્યારે હવે અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે.
