ગાંધીનગર- ગુજરાત સરકાર તેની નવી ઉદ્યોગ નીતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. આ પોલિસીના આધારે ગુજરાત સરકારની દસમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે. નવી પોલિસીના ડ્રાફ્ટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે જ્યારે દેશના અન્ય રાજ્યોની ઔદ્યોગિક સ્થિતિ તેમજ વધતા જતાં મૂડીરોકાણને પણ ધ્યાને લેવામાં આવ્યું છે.
ગુજરાતની નવી ઉદ્યોગ નીતિમાં રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવા માગતા ઉદ્યોગજૂથોનો જલસા પડી જાય તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ નીતિના ડ્રાફ્ટની વિગતો જોતાં તેમાં પહેલીવાર લેન્ડ બેન્કનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. એ સાથે ઉદ્યોગો માટે વધુ પ્રોત્સાહનો તેમજ ઝડપી મંજૂરીઓ માટેનું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવી શકે છે.
ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે નવી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તેને આખરીરૂપ હજી આપવામાં આવ્યું નથી. આ ડ્રાફ્ટમાં કેટલાક નવા સુધારા સૂચવવામાં આવ્યા છે. નવી ઉદ્યોગ નીતિ ડિસેમ્બરમાં જાહેર કરવાની હતી પરંતુ સરકારે તેમાં કેટલાક સુધારા સૂચવતાં નીતિની જાહેરાત થઇ શકી નથી. અત્યારે બજેટ સત્ર ચાલુ હોવાથી તેમજ કોરોના વાયરસનો ઉપદ્રવ હોવાથી ઉદ્યોગ નીતિ જાહેર થઇ શકે તેમ નથી તેથી એપ્રિલ પછી ગમે તે સમયે સરકાર તેને જાહેર કરે તેવી સંભાવના છે.
ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બરે પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર 2020-2025ની નવી નીતિની જાહેરાત આ વર્ષે કરશે અને તેમાં સૂચવેલા સુધારાને ધ્યાને લઇને આખરી ઓપ આપવામાં આવશે. કોરોના વાયરસનો કહેર ઓછો થાય તે પછી મુખ્યમંત્રી પોલિસી જાહેર કરશે.
રાજ્ય સરકાર નવી નીતિમાં બીજા વધુ સેક્ટરોનો સમાવેશ કરવા જઇ રહી છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્ર ઉપરાંત કૃષિ સેક્ટરને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ ઉપરાંત એરોસ્પેસ્, ડિફેન્સ, સ્ટાર્ટઅપ મિશન, ટેકનોલોજી અને સર્વિસિઝ તેમજ હોસ્પિટાલિટીને સામેલ કરવામાં આવશે. નવી નીતિમાં રોજગારીની તકોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર હાલ એસએમએમઇ સેક્ટરને વધારે પ્રોત્સાહન આપી રહી છે. હજી વધારે પ્રોત્સાહન આપવાની જોગવાઇ નીતિમાં કરવામાં આવી છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સેક્ટરને પ્રોત્સાહન આપવાથી રોજગારીની વિપુલ તકો સર્જાઇ શકે છે. સરકાર વન અને પર્યાવરણ, ઉર્જા, ખોરાક અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, પરિવહન અને નાણાકીય સંસ્થાઓ જેવા ક્ષેત્રોને સમાવવા વિચારાધીન છે.
ઉદ્યોગ નીતિમાં કુટીર ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્યમાં જ્યાં જમીન ઉપલબ્ધ છે ત્યાં લેન્ડ બેન્ક બનાવવામાં આવી છે અને તે જમીન ઉદ્યોગોને આપવાનું નક્કી થયું છે. ગુજરાતની નિકાસને ટારગેટ બનાવીને સરકારે ખાસ પ્રકારના નિકાસલક્ષી ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્યમાં ટેક્સટાઇ, હીરા, ફાર્મા, રસાયણ, એન્જીનિયરીંગ, ચાઇનીઝ માટીની ચીજવસ્તુઓ, તૈયાર કપડાં, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોમાં પણ વધારે પ્રોત્સાહન આપવા માગે છે. એ ઉપરાંત આ વખતે સરકારે નવી નીતિમાં બાગાયતી ક્ષેત્રનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે આ ક્ષેત્ર વધારે રોજગાર આપી શકે છે અને નિકાસ પણ વધારી શકે છે. રાજ્ય સરકારે નવી નીતિમાં 19 જેટલા વિવિધ સેક્ટરોની પ્રોફાઇલ બનાવી છે જે રાજ્યના 33 જિલ્લાઓને અસર કરે છે. અગાઉની નીતિમાં સરકારે માત્ર 12 સેક્ટરો માટે કામ કર્યું છે જેમાં આ વખતે વધુ સાત સેક્ટરોનો ઉમેરો કર્યો છે.