આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ છે. ડોક્ટર મનિષ બંસલને અમદાવાદ, દિનેશ રબારીને સુરત, ડોક્ટર હર્ષિત ગોસાવીને વડોદરા, સ્તુતી ચારણને રાજકોટ, આર.આર. ડામોરને ભાવનગર, આર. ધનપાલને જામનગર અને ડોક્ટર સુનિલ બેરવાલને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં ૧૩ ઓક્ટોબર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૫ હજારને પાર થયો છે. હાલમાં ૧૫,૧૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૬ માર્ચના રાજ્યમાં ૧૦,૧૩૪ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૫૦% નો વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૮,૪૩૮ છે જ્યારે કુલ મરણાંક ૪,૫૬૬ છે.રાજકોટ શહેરમાં ૨૩૩-ગ્રામ્યમાં ૪૩ સાથે ૨૭૬ કેસ નોંધાયા છે. હવે વડોદરામાં ૨,૩૬૯ જ્યારે રાજકોટમાં ૧,૫૫૪ એક્ટિવ કેસ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૯૭ સાથે જામનગર, ૭૭ સાથે ભાવનગર, ૬૫ સાથે ગાંધીનગર, ૬૧ સાથે પાટણ, ૫૬ સાથે મહેસાણા, ૩૮ સાથે દાહોદ, ૩૭ સાથે પંચમહાલ, ૩૦ સાથે બનાસકાંઠા-ભરૃચ, ૨૯ સાથે ખેડા, ૨૭ સાથે મોરબી, ૨૬ સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
