ગાંધીનગર- કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે હેતુથી ગુજરાત સરકારે 31મી માર્ચ સુધી તમામ જાહેર સ્થળો જેવાં કે સ્કૂલ, કોલેજ, મોલ્સ, થિયેટરોને બંધ કરવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં એકપણ કેસ પોઝિટીવ નહીં હોવા છતાં સરકારે તકેદારીના પગલાંરૂપે આ નિર્ણય લીધો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠકના અંતે આ નિર્ણય લીધો હોવાની માહિતી ચીફ સેક્રેટરી અનિલ મુકિમે આપી છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.
સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા અને કોલેજોને 31મી માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે જેનો અમલ સોમવારથી શરૂ કરાશે. જો કે સરકારે બોર્ડની પરીક્ષાઓ યથાવત રાખી છે. એ ઉપરાંત સરકારે રાજ્યના સિનેમાગૃહો, મલ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પુલ, મોલ્સ બંધ રાખવાનો આદેશ આવ્યો છે.
એક મહત્વના નિર્ણયમાં રાજ્ય સરકારે જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઇ વ્યક્તિ જાહેરમાં થુંકતો પકડાશે તો પ્રતિબંધના ભંગરૂપે તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સાથે સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયોને મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી નહીં યોજવાની અપીલ કરી છે.