યાત્રાધામ અંબાજીમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા એક પત્રકારને કોરોના પોઝિટિવ આવતા અંબાજીવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. પોઝિટિવ જાહેર થયેલા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મહામારીનો ઉપદ્રવ આગળ ન વધે તે માટે થઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. જિલ્લા એપેડેમિક અધિકારી ડૉ. એન. કે. ગર્ગ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એન. પી. ચૌહાણ સહીતના આરોગ્ય કર્મચારીઓનો કાફલો અંબાજીમાં ઉતરી પડ્યો હતો.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ચૌહાણના જણાવ્યા મુજબ દર્દીના સંપર્કો બાબતે ડીટેલ તપાસ કરી નજીકના 17 જેટલા સંપર્કોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. પોઝિટિવ કેસના ઘરની આજુબાજુના વિસ્તારના કુલ 16 ઘરોના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 62 જેટલા અને નજીકના સંપર્કોને આયુર્વેદિક ઉકાળા માટેની દવા, હોમિયોપેથીક આર્સેનિક દવા અને વિટામિન Cની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ લોકોની આગામી 14 દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરી તમામના તાપમાન, ઓક્સિજન તપાસ અને અન્ય કોઈ લક્ષણ ઉપસ્થિત થયા છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે. કોરોનાથી સંક્રમિત થયેલા પત્રકારે લોકડાઉનમાં ભોજન સેવાની ઉમદા સેવા બજાવી હતી.