સમગ્ર વિશ્વમાં ચાલતા કોરોનાની મહામારી વચ્ચે આખરે ભારતમાં હવે ગુજરાતમાં પણ કોરોનાએ ધામા નાખી દીધાં. રાજ્યમાં કોરોનાનાં બે પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ કે જે પોઝિટીવ આવ્યાં છે. આ અંગે રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું કે, રાજકોટ અને સુરતનાં બે શંકાસ્પદ કેસ કે જે પોઝિટીવ આવ્યાં છે.
અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતનાં જરૂરી પગલાંઓ ભરી રહી છે. આ અંગે રાજ્યનાં અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, ‘હાલમાં આ બંને દર્દીઓની હાલત સ્થિર છે. તમને જણાવી દઇએ કે રાજકોટનો જે યુવકનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો તે મક્કા મદીનાથી આવ્યો હતો. જ્યારે સુરતમાં એક દીકરીનો કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે તે ન્યૂયોર્કથી આવી હતી. આ અંગે રાજ્યનાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયાં છે. સુરતનાં પોઝિટીવ કેસની કલેક્ટર બંછાનિધિ પાનીએ પણ પુષ્ટી કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘બન્ને દર્દીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સરકારે રાજ્યમાં તમામ નાના-મોટા જાહેર સ્થળો પર ભીડ જામે તેની પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુક્યો છે. નોંધનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગે આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં પાર્ટી પ્લોટ, મેરેજ હોલ તેમજ લગ્નની વાડીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા મેડિકલ હોમિયોપેથિક અને આયુર્વેદ હોસ્પિટલોમાં કોરોનાનાં લક્ષણો ધરાવતા દર્દી હોય તો નજીકનાં જાહેર નિયામક અથવા આરોગ્ય હેલ્પલાઇન નંબર 104 પર અથવા નજીકના સરકારી દવાખાને ફરજિયાત જાણ કરવાની રહેશે.’