રાજ્યમાં વિધાનસભાના ઇલેક્શનમાં ભાજપે 156 સીટ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો ઉપર ભાજપ વિજય હાંસલ કરશે તેમ સીઆર પાટીલે જણાવ્યું છે તેઓએ મકરસંક્રાંતિની શુભેચ્છા સાથે 2024ના લોકસભાના ઇલેક્શનને લઈને આ મહત્વનું નિવેદન આપ્યુ હતું.
સી આર પાટીલે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યા બાદ હવે 2024માં પણ ભાજપ આ જ રીતે વિજય પ્રાપ્ત કરશે.
આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26માંથી 26 બેઠકો ઉપર ભાજપ વિજય પતાકા લહેરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે અનેક રાજકીય પંડિતોના ગણિત ખોટા પડ્યા હતા અને ભાજપે જે રીતે દાવો કર્યો હતો તે વાત સાબિત કરી બતાવી હતી અને હવે લોકસભાની ચૂંટણીમાં કરેલો દાવો પણ સાબિત કરવા ભાજપે ચેલેન્જ કરી છે.
મહત્વનું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે રેકોર્ડ બ્રેક જીત મેળવવા સાથે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ કરેલો 149 વિધાનસભા બેઠક પર જીત મેળવવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભાજપે આ વખતે 156 વિધાનસભા બેઠક ઉપર જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તમામ 26 બેઠકો જીતવા કવાયત શરૂ કરી છે.