ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે આગામી ૪૮ થી ૭૨ કલાકમાં સાયક્લોન ડેવલપ થવાની આગાહી કરવામાં આવી હતી. આ સાથે જ સાયક્લોન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના ભાગે ખંભાતના અખાત તરફ હિટ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આશરે ૨૦૦ કિલોમીટર દૂર ૪૮ થી ૭૨ કલાકમાં એક સાયક્લોન ડેવલપ થઈ રહ્યું છે. આ સાયક્લોન આગામી 3 જૂન સુધી ગોવા પર તેની અસર શરૂ કરશે. ચારથી પાંચ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના ભાગે હિટ કરી શકે છે. જેને પગલે ૩ જૂનથી ગોવા અને મુંબઇ સહિતના વિસ્તારોમાં તથા ૩ થી ૫ જૂનની વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી આગાહી હાલના તબક્કે ભારતીય હવામાન વિભાગે કરી છે. આ સાયક્લોનને કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે જ સારા ચોમાસાના પ્રારંભના આસાર જોવા મળી રહ્યા છે.
અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશન બનવાનું શરૂ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ કેરળથી દૂર અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશન બનવાનું શરૂ થઈ ગયું છે. જે હવે ડિપ્રેશન ત્યારબાદ ડિપડિપ્રેસન અને પછી ૪૮ થી ૭૨ કલાકમાં સાયક્લોનમાં ફેરવાશે. આ સાથે જ શહેરમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થવાની સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે.
શહેરમાં ૭૦-૮૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા
શહેરમાં સાયક્લોન વખતે ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. પણ આ વાવાઝોડું જો દરિયામાં નબળું પડે તો તેની ઓછી અસર પણ વરતાઈ શકે છે. આ બધી પરિસ્થિતિઓમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનું હાલના તબક્કે નક્કી છે.
આજે પવનોની ઝડપ ઘટતા તાપમાનમાં વધારો
શહેરમાં આજે મહત્તમ તાપમાન એક ડિગ્રી વધારા સાથે 35.6 ડિગ્રી નોંધાયું. લઘુત્તમ તાપમાન આંશિક વધારા સાથે 29.4 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસભર હવામાં 67 ટકા ભેજની સાથે 10 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. શહેરમાં આજે મહત્તમ પવનોની ઝડપમાં ઘટાડો થતાં તાપમાનમાં વધારો નોંધાયો હતો.