દમણ પોલીસે દારૂનું સેવન કરી પ્રદેશના રસ્તાઓ પર બેફામ ગતિથી કાર બાઈક હંકારનારાઓ સામે શખ્ત કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈ પ્રદેશમાં હરવા ફરવા અર્થે આવતા પર્યટકોની સાથે આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અનલોક બાદ દમણની તમામ ચેકપોસ્ટને લોકોની અવર જવર માટે ખોલી દેવામાં આવ્યા બાદ દમણમાં અચાનક પર્યટકોનો ધસારો હાલના દિવસોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતીલાલાઓ માટે સ્વર્ગ સમાન બનેલા દમણને લઈ સુરત, નવસારી, બરોડા, વલસાડ તથા આસપાસના વિસ્તારોની સાથે મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં પર્યટકોનો ધસારો શનિ-રવિની રજા માણવા તથા દારૂ-બીયરની ચૂસ્કીની સાથે ખાણીપીણી કરવા અર્થે આવી રહ્યા છે.

છેલ્લા એક સપ્તાહ પહેલાથી દમણના વિવિધ રસ્તાઓ અને દરિયા કિનારાના મુખ્ય રસ્તાઓ પર પ્રદેશના અમુક રોમિયોગિરિ કરતા તથા બહારથી આવાનારા પર્યટકો દારૂનું સેવન કરી બેફામ ગતિથી કાર અને બાઈક હંકારી રહ્યાના બનાવો બની રહ્યા છે. જેને લઈ રસ્તા પરથી પસાર થતા રહાદારીઓમાં આવા લુખ્ખા તત્વોને લઈ પોતાને અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. ત્યારે આ બાબતની જાણ દમણ પોલીસના આઈ.જી. ઋષિપાલ સિંહને માલમ થતા આવા લોકો તથા બહારથી આવનારા પર્યટકો સામે શખ્ત કાર્યવાહી કરી કાયદાનું પાલન કરાવી શકાય એવા આશયથી પોલીસ વિભાગના એસ.પી. વિક્રમજીત સિંહ તથા એસ.ડી.પી.ઓ. રજનીકાંત અવધિયાના સીધા માર્ગદર્શન હેઠળ નાની દમણનાં પી.આઈ. શોહીલ જીવાણી, મોટી દમણનાં પી.આઈ. વિશાલ પટેલ, કડૈયા પોલીસ મથકના પી.આઈ. લીલાધર મકવાણા તથા ટ્રાફીક ઈન્ચાર્જ પી.આઈ. કે.બી. મહાજનની અગવાયમાં એક વિશેષ પોલીસ જવાનોની ટીમ તૈયાર કરી દમણનાં જામપોરથી લઈ દેવકાશહેરના મુખ્ય રસ્તાઓની સાથે પ્રદેશની તમામ ચેકપોસ્ટ ઉપર બેરીગેટ્સ લગાવી વાહન ચેકીંગ અભિયાનને શરૂ કરી દીધું છે.
સાથે અન્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સાઈકલ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ આ ડ્રાઈવમાં લાયસન્સ, સીટ-બેલ્ટ, હેલ્મેટ, કાળા ગ્લાસવાળી કારની સાથે દારૂનું સેવન કરી કાર બાઈક ચલાવનારાઓની આલ્કોહોલ ટેસ્ટ મશીન દ્વારા તપાસ કરાઈ રહી છે અને દોષિતોને આકરો દંડ ફટકારવાની સાથે વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ટીમ પ્રદેશના વિવિધ રસ્તાઓ પર નજરે પડતા દારૂનું સેવન કરી કાર-બાઈક હંકારનાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા આ પ્રમાણે કડકાઈ પૂર્વક કરાઈ રહેલી કાર્યવાહીને લઈ રસ્તા પરથી ચાલતા જતા રહાદારીઓ અને અન્ય પર્યટકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.