Digital Life Certificate: ગુજરાતના પેન્શનરો માટે ખુશખબર, હવે મળશે મફત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવા
Digital Life Certificate: ગુજરાત સરકારે રાજ્યના લાખો પેન્શનરોના હિતમાં એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. હવે પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે ઓફિસોમાં દોડાદોડ નહીં કરવી પડે. આ સુવિધા હવે તેમને ઘરે બેઠા મફતમાં પૂરી પાડવામાં આવશે.
5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે
આ સુવિધા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. આ નિર્ણયથી ગુજરાતના 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે. રાજ્ય સરકારે પેન્શનરો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે આ સેવા શરૂ કરી છે જેથી તેમને વધુ અનુકૂળ અને આદરપૂર્ણ અનુભવ મળી શકે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક 2018માં શરૂ થઈ હતી
નોંધનીય છે કે 2018 માં, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “ડોરસ્ટેપ બેંકિંગ” એટલે કે તમારા ઘર સુધી બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ ઉદ્દેશ્યને આગળ ધપાવતા, ગુજરાત સરકારે આ નવી પહેલ કરી છે.
આ સેવા કેવી રીતે કાર્ય કરશે?
પેન્શનર IPPBની ટીમનો સંપર્ક કરશે, અથવા ટીમ સીધા ઘેર આવીને સેવા આપશે.
ટીમ પાસે મોબાઈલ ડિવાઈસ હશે, જેમાં ડિજીટલ લાઈફ સર્ટિફિકેટ માટેનો સોફ્ટવેર હશે અને તેમાં PPO નંબર, આધાર નંબર, બેંક વિગતો અને મોબાઈલ નંબર દાખલ કરાશે.
બાદમાં બાયોમેટ્રિક ચકાસણી થવાથી કેટલીક જ મિનિટોમાં ડિજીટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર થશે અને સંબંધિત કચેરી સુધી પહોંચાડી દેવામાં આવશે.
આ સર્ટિફિકેટની ડિજીટલ કૉપિ સીધી પેન્શન કચેરી સુધી મોકલાશે.
અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરોને પણ લાભ મળશે
ગુજરાતના જે પેન્શનરો હવે અન્ય રાજ્યોમાં રહે છે તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકે છે. આ માટે તેમણે નજીકના પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો પડશે.
આ પહેલ ગુજરાત સરકારની ડિજિટલ સેવાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે, જે પેન્શનરોને સમય, શક્તિ અને તણાવ બચાવવામાં મદદ કરશે.