મહેસાણા જિલ્લાના 21-ઊંઝા મતવિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશાબેન ડી. પટેલે ૨ ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું હતું. આશાબેન પટેલે અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નિવાસસ્થાને જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જો કે, અત્યાર સુધી આશાબહેને તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે વાતનો કોઈ જવાબ આપ્યો નથી.
પરંતુ આશાબેને આવતીકાલે પાટણમાં યોજાનારા ભાજપના ક્લસ્ટર સંમેલનમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવવાના સંકેત આપ્યા છે. જો કે, હજી પણ આશાબેન કોઈ નિર્ણય નહીં લીધો હોવાનો દાવો કરી રહ્યા છે. આશાબહેને નિવેદન આપતા જણાવ્યું કે, મારા કાર્યકર્તા જે નિર્ણય કરશે તે નિર્ણયનું હું પાલન કરીશ. કાર્યકરો ભાજપમાં જોડાવાનુ કહેશે તો ભાજપમા જઈશ, કોંગ્રેસમાં રહેવાનુ કહેશે તો કોંગ્રેસમાં રહીશ..
ડો. આશાબેને જણાવ્યું કે, આજે સાંજે ૪.૩૦ વાગ્યે તેમના નજીકના કાર્યકર્તાઓ સાથે ઊંઝા ખાતે એક બેઠક યોજવામાં આવી છે. આ બેઠક ૧૩ ફેબ્રુઆરીએ મળવાની હતી પરંતુ હાલમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિના પરિણામે વહેલી મીટીંગ કરવા કાર્યકરોએ સૂચન કરતા બેઠક વહેલી ગોઠવી લીધી છે.
આશાબેને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, મેં રાત્રે ૧૨ વાગ્યે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. ઉતાવળમાં જ મેં રાજીનામું લખીને આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે, મેં રાજીનામુ આપ્યું તેની આગલી રાત્રે જ મને મહેસાણા નગરપાલિકાના નગરસેવકો મળવા આવ્યા હતા.