Drone PCR પોલીસ નિષ્ફળ જતાં હવે ડ્રોન પોલીસ બની
લોકોના ભલા કરતાં વીઆઈપીઓના ભલા માટે ડ્રોન વધારે વપરાશે
અમદાવાદ, 6 એપ્રિલ 2025
Drone ગુજરાત પોલીસ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન) શરૂ કરી છે. ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સ વધુ અસરકારક બનાવશે. લોકોના ભલા કરતાં તો વીઆઈપી, જજ જેવા લોકોના માટે ડ્રોનનો વધારે ઉપયોગ થવાનો છે.
ડ્રોન દ્વારા મેળવેલા વિડિયો ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રીઅલ-ટાઇમમાં દેખાશે. જેના આધારે ઘટનાનું મૂલ્યાંકન કરીને પોલીસ ફોર્સ નક્કી કરી શકાશે. પરિસ્થિતિનું ત્વરિત મૂલ્યાંકન અને અસરકારક કામગીરી શક્ય બનશે.
વિરોધીઓ સામે ઉપયોગ
કાયદો, વ્યવસ્થા, ખનીજ ચોરી, દરિયાકાંઠે ઘુસણખોરી, અપહરણ, હુમલા, ટ્રાફિક, આપત્તિમાં તાત્કાલિક મદદ પૂરી પાડવા ડ્રોન ટેકનોલોજી છે. આ મશીન પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. મેળાઓમાં ભીડ વ્યવસ્થાપન માટે ઓછા પોલીસથી વધારે કામ થઈ શકે છે. વિરોધ પ્રદર્શનો કે શંકાસ્પદ લોકો અને વાહનો પર નજર રાખવામાં ડ્રોનની મદદથી ઝડપી કાર્યવાહી કરી શકાય.
પીસીઆર વાન નિષ્ફળ
પીસીઆર વાનને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે. આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલીક રવાના થશે.
પાયલોટ પ્રોજેક્ટ
પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં 10 દિવસના પ્રયોગ કરાયા હતા. તેમાં જાણવા મળ્યું કે, ડ્રોન પીસીઆર વાનની તુલનાએ 50 ટકાથી પણ ઓછા સમયમાં ડ્રોન પહોંચી જાય છે. કેટલીકવાર માત્ર બેથી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે.
8 ડ્રોન ખરીદાયા
પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરાઈ છે. 8 ડ્રોન કામ કરી રહ્યાં છે. બીજા 18 ડ્રોન ખરીદવામાં આવી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરના 33 પોલીસ મથકમાં રખાશે. જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે ત્યાં ડ્રોન રખાશે.
કરાઈમાં તાલીમ અપાઈ રહી છે. પ્રથમ તબક્કે અમદાવાદના 8 પોલીસ મથકમાં પ્રોજેક્ટ શરૂ થશે. ત્યારબાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં ડ્રોન અપાશે.
બીજા રાજ્યો આગળ
દેહરાદૂન પોલીસની જેમ, રાજસ્થાન પોલીસ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. બિકાનેરમાં ટ્રાફિક વ્યવસ્થાપનમાં ડ્રોનનો ઉપયોગ થાય છે. બીજા રાજ્યોની પોલીસ કરતાં ગુજરાતની પોલીસ પાછળ છે.
રાજસ્થાનમાં નર્સિંગની વિદ્યાર્થીનીના અપહરણના કેસમાં, ટોંક પોલીસે ડ્રોનની મદદથી જંગલમાં બચાવ કામગીરી હાથ ધરી હતી.
રાજસ્થાનમાં તો દરેક પોલીસ મથકને ડ્રોન પૂરા પાડવામાં આવી રહ્યાં છે. રાજસ્થાન પોલીસ પાસે 52 ડ્રોન છે.