વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાના કારણે ખેતી પાકને ભારે નુકશાન થવાની શક્યતા જોવાઇ રહી છે. આજે પણ બનાસકાંઠા જિલ્લામાં ભાભર સહિતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. આ સ્થિતિમાં જીરૂ, ઘાણા, વરિયાળીના પાકમાં કાળીયા નામનો રોગ આવવાની પુરેપુરી સંભાવના ખેતીના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હાલ જીરૂ, વરિયાળી, ઘાણાનો પાક કાપણી પર છે. હાલના બદલાયેલા વરસાદી વાતાવરણને લઇને આ પાકોમાં કાળીયા નામનો રોગ આવતા ઉત્પાદનમાં મોટાપાયે ઘટ જોવા મળશે તેવી શક્યતા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ ઉપરાંત ઘઉંના પાકમાં દાણો સખત થઇ જવાની પણ શક્યતા છે. આમ એકબાજુ વરસાદ અને સિંચાઇના પાણીના અભાવે વાવેતર ઓછું થયું છે. ત્યારે બીજી તરફ હવે પાછો છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલટો આવતા કાપણીને આરે આવીને ઉભેલા પાકમાં રોગ આવવાની શક્યતા વચ્ચે ઉત્પાદન ઘટનો ખતરો ઉભો થયો છે. જેણે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.