Earthquake in Banaskantha : ભૂકંપના આંચકાથી ધ્રૂજ્યું વાવ: રાત્રે 3.4ની તીવ્રતાથી ધરતી કંપી ઉઠી
Earthquake in Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ગઈ રાત્રે અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 3 વાગ્યેને 35 મિનિટે ધરતી હલતા અનેક લોકો ઊંઘમાંથી જાગી ગયા અને ધસમસતા બહાર નીકળી આવ્યા. ભલે ભૂકંપની તીવ્રતા ઓછી રહી હોય, પરંતુ લોકોમાં તાત્કાલિક ચિંતાની લાગણી અનુભવાઈ.
ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા સાથે નોંધાયા છે.રિપોર્ટ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી આશરે 27 કિલોમીટર દૂર હતું. નજીકના કેટલાંક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે મોટી હાનિ થઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ભૂકંપના દ્રષ્ટિકોણે અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) મુજબ, છેલ્લાં 200 વર્ષમાં રાજ્યમાં અનેક ધક્કાદાયક ભૂકંપ આવી ચૂક્યા છે. 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપે સૌથી વધુ નુકસાન કર્યું હતું.
શું તમે જાણો છો? રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે:
3.0 – 3.9: સામાન્ય રીતે લાગે છે કે કોઈ ભારે ટ્રક પસાર થઈ છે.
4.0 – 4.9: હળવી હિલચાલ, પણ ઘરવખરી હલાઈ શકે છે.
5.0 થી ઉપર: ફર્નિચર ખસે છે, દિવાલમાં તિરાડ પડે છે અથવા ઈમારત નુકસાન પામે છે.
ભૂકંપ આવે છે એનું કારણ શું છે?
ભૂકંપ પૃથ્વીના આંતરિક સ્તરોમાં થતી ટેકટોનિક પ્રવૃત્તિઓના પરિણામે થાય છે. ખાસ કરીને હિમાલય જેવા ક્ષેત્રોમાં, જ્યાં ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે, ત્યાં સતત ઊર્જા એકઠી થતી હોય છે. જ્યારે આ ઊર્જા બહાર આવે છે ત્યારે ધરતી ધ્રૂજી ઉઠે છે અને તેને ભૂકંપ કહેવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીરથી લઈને ગુજરાત સુધી, દેશમાં ઘણી જગ્યાએ ભૂકંપની ધટનાઓ નોંધાતી રહે છે. તેથી, આવી કુદરતી આપત્તિઓથી સુરક્ષિત રહેવા માટે દરેક નાગરિકે પ્રાથમિક તકેદારી રાખવી જરૂરી છે.