કચ્છમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ આખા ગુજરાતને ધુ્રજાવ્યા બાદ આજે ફરી વખત ભચાઉ પંથકમાં 4.6ની તીવ્રતાનો એક મોટો આંચકો આવ્યો હતો. બીજી તરફ ગઈકાલે મધરાત્રે 1ર વાગ્યાથી લઈને આજે રાત્રે 10 વાગ્યા સુધીના 22 કલાકમાં નાના-મોટા 10 આંચકા આવ્યા હોવાનું નોંધાયું છે.
ભૂકંપના આ આંચકાઓથી જાન-માલની કોઈ હાનિ થઈ નથી. પરંતુ લોકોને વર્ષ ર001ના ભયાનક ભૂકંપની યાદો તાજી થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ભૂકંપ બાદ વધુ અસરગ્રસ્ત વિસ્તારના અનેક લોકોએ આખી રાત જાગીને વિતાવી હતી. ભૂકંપ માટે સૌથી વધુ જોખમી ક્ષેત્ર-5માં આવતા કચ્છ જિલ્લામાં ફોલ્ટલાઈન ફરી સક્રિય થઈ છે.