વાયુ વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 10 કિલોમીટર સુધી જોવા મળી હતી. ગુરુવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની હતી. જેના કારણે દ્વારકાના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર બીજી ધજા ચઢાવવામાં આવી હતી.
બાવન ગજની આ પવિત્ર ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દ્વારકાધીશના ધામ પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી નિહાળી શકાય છે. આ ધજાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ છે. તેના કારણે પરંપરાને અતૂટ રાખવા માટે બીજી ધજાને પ્રથમ ધજાની નીચે ચઢાવવામાં આવી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી હતી. આ ધજા સાત અલગ અલગ રંગમાં હોય છે. ધજાને સવારે, બપોરે અને સાંજે અબોટી બ્રાહ્મણો દ્વારા બદલવામાં આવે છે. દરમ્યાન વાવાઝોડા સામે રાજ્યને રક્ષણ મળે એ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ મંદિરમાં પૂજા કરીને વાયુ વાવાઝોડા સામે રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. વાઘાણી અને ચુડાસમાએ પૂજા અર્ચના કરતા હોવાની તસવીરો પણ ટ્વિટર પર શૅર કરી હતી.