મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ) દ્વારા નવેમ્બર અને ડિસેમ્બરના જારી કરાયેલા બિલમાં ઊજાલા બલ્બના ઈએમઆઈ પેટે રૂા. 60 થી 75 લખાઈને આવતા જ ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણ કે, મોટાભાગના ગ્રાહકોએ બલ્બ લીધા જ નથી કે પછી રોકડેથી લીધા હતા. જોકે, બિલમાં તેનો સમાવેશ કરાતાં રકમમાં પાંચથી પંદર ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જોકે, આ સંદર્ભે બીજી તરફ એમજીવીસીએલ, આણંદના નાયબ ઈજનેર કે.એમ. શાહનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ ભારત સરકાર દ્વારા ઊજાલા યોજના અંતર્ગત ખૂબ નજીવા દરે ઊજાલ બલ્બનું વિતરણ કરાયું હતું. એ સમયે જે લોકોએ ઈએમઆઈ પર લીધા હતા તેમનામાં આ ચાર્જ ગણવામાં આવ્યો છે. જોકે, જે લોકોએ રોકડેથી બલ્બ લીધા હતા અથવા જે લોકોએ બલ્બ લીધા જ નથી તેમણે આ સંદર્ભે લેખિતમાં એક અરજી આપવાની રહેશે અને તેમાં તમામ માહિતી જણાવવાની રહેશે. આ સાથે તેમણે બિલની ઝેરોક્ષ પણ એટેચ કરવાની રહેશે. જેથી તેમના ઈએમઆઈના ગણાયેલા પૈસા બિલ પેમેન્ટ વખતે એટલા ઓછા લેવામાં આવશે તેમજ બીજા બિલમાં તેનો ઉમેરો કરવામાં આવશે નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.તો બીજી તરફ ચાલુ માસના વિજબિલમાં 60 રૂપિયાનો વધારો જોઇ ગ્રાહકો મુંજવણમાં મુકાઇ ગયા હતાં.
90 ટકા ગ્રાહકોની પાસેથી ચાર્જ વસુલાયો
જિલ્લાના 4 લાખ ઉપરાંત વીજ ગ્રાહકો છે. જેમાં આણંદ,કરમસદ, વિદ્યાનગર થઇ અંદાજે 45 ઘરેલું વીજ ગ્રાહક છે. સરકારે ઉજાલા બલ્બ તથા સિલિંગ ફેન દોઢ એક વર્ષ અગાઉ વીજ બચાવો યોજાના હેઠળ આપ્યા હતાં. જેમાં30 ટકા ઉપરાંતના ગ્રાહકોએ રોકડે થી વીજ બલ્બ ખરીદ્યા હતાં. જ્યારે 25 ટકા ગ્રાહકોએ આ યોજનાનો લાભ જ લીધો ન હતો. તેમ છતાં યોજના બે વર્ષ બાદ વીજ બીલમાં ઇએમઆઇ પેટે રકમ કાપી લેવાતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.