ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દસ મહિનામાં બળાત્કારના 502 જેટલા કેસ નોંધાયા છે. એટલું જ નહીં મહિલાની છેડતીના બનાવોમાં પણ વધારો થયો છે. લગભગ એક હજારથી વધારે મહિલાઓની છેડતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં બળાત્કારના 82 કેસ વધારે નોંધાયા છે. રાજ્યમાં 10 મહિનામાં જ 502 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં આ આંકડો વધારે છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ શહેર અને જિલ્લામાં બળાત્કારના સૌથી વધારે બનાવો નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં બળાત્કારના 60 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં 10 મહિલાઓ ભોગ બની હતી. અમદાવાદ શહેરમાં ગત વર્ષની સરખામણીએ 7 કેસ વધારે નોંધાયા છે. તેમજ રાજકોટમાં 18, સુરતમાં 43 અને વડોદરા શહેરમાં દુષ્કર્મની 9 ફરિયાદ નોંધાઈ છે.
સબ સલામત હોવાના પોલીસ દાવા કરી રહી છે ત્યારે મહિલાઓની છેડતીના બનાવોમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે પજવણીના કુલ ૧,૦૧૪ કેસો પોલીસ મથકે નોંધાયા છે. પોલીસે દુષ્કર્મ અને બળાત્કારના બનાવોની ફરિયાદ નોંધીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મહિલાઓ સાથે બનતા બનાવોમાં થયેલા વધારાના પગલે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.કેન્દ્ર સરકારે બળાત્કારના બનાવોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આવા કેસમાં આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ હવસખોરોને કાયદાનો ડર જ ન હોય તેમ દુષ્કર્મના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે.