પુરાતત્ત્વ વિભાગને લખપતના ખટીયા સાઈટમાં ખોદકામ દરમિયાન 4600 થી 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે. લખપત તાલુકાના ઐતિહાસિક ડુંગર ઝારાથી પહેલાં આવતા ખટિયા ગામની આથમણી સીમમાં તલાવડી પાસે ખોદકામ કરતાં 4600થી 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન શોધી કઢાયું છે. કબ્રસ્તાનમાં એક કંકાલ ના ડાબા હાથમાં 16 અને જમણાં હાથમાં 3 ચૂડી પહેરેલી મહિલા હોય તેવી શક્યતા સાથેનું હાડપિંજર મળી આવ્યું છે. ગત તારીખ 16મીથી યુનિવર્સિટી ઓફ કેરાલાના પુરાતત્ત્વ વિભાગના 24 વિદ્યાર્થીઓ અને કચ્છ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ સાથે ગામના મળી 32 જણ ખોદકામ કરી રહ્યાં છે. ઝીણું ઝીણું ખોદકામ કરી વસ્તુઓને નુકસાન ન થાય તેની કાળજી રખાય છે. કચ્છ યુનિવર્સીટી આર્કયોલોજીના ભંડારીના જણાવ્યા અનુસાર અહીં મોટું સ્મશાન હશે, જે અંદાજીત 5000થી 4600 વર્ષ જૂનું હોઈ શકે છે.
તો ખટિયાની જૂની સાઈટમાં જે માટીના વાસણો મળી આવ્યા છે, તે અલગ પ્રકારના છે. દરેક કબ્રસ્તાન અંદર મડદાની સાથે તેના પગ પાસે વાસણમાં કંઈ પાણી કે ખાવાનું રાખવાની પ્રથા હોઈ શકે છે, જેથી દરેક શબના પગ પાસે વાસણ જોવા મળે છે. પહેલા ખોદેલ કબ્રમાં શબનું માથું પૂર્વ-પશ્ચિમ હતું, જ્યારે આ નવી સાઈટમાં માથું ઉત્તર-દક્ષિણ જોવા મળી રહ્યું છે. એક ઈશાન-નૈઋત્ય વાળી કબર પણ છે. આ કબર માં માટીના વાસણ, હાડપિંજર, હાડકાં, સફેદરંગની બંગડીઓ જેવી વસ્તુઓ મળી છે..
અહીં 300થી વધુ કબર હોવાનો અંદાજ છે, જેનો સમયગાળો 5200/4600 વર્ષ પૂર્વ હોઈ શકે છે. આ જગ્યા હડપ્પન સંસ્કૃતિની શરૂઆતની સામ્યતા હોઈ શકે છે. એક કબરમાં મહિલાનું માથું તથા બે હાથના હાડકા સ્પષ્ટ દેખાય છે, જેના ડાબા હાથમાં 16 તથા જમણા હાથમાં 3 શંખની સફેદ ચૂડીઓ પહેરેલી છે, જેનું માથું ઉત્તર અને પગ દક્ષિણમા છે. ખટિયાની જુની સાઈટમાં નાના પથ્થરોનો ઉપયોગ થયો છે, જ્યારે અહીં મોટા પથ્થર ઉપયોગમાં લેવાયા છે..અહીં મોટા ભાગની કબર 2 મીટર લાંબી છે અને દરેકમાં નાના માટલા, માટીના વાસણ મળી આવે છે. આ મળી આવતાં તમામ અવશેષો પરથી તે સ્ત્રી છે કે પુરૂષ, તેની ઉંમર કેટલી છે, શા માટે કબરમાં માટીના વાસણો મળી રહ્યાં છે, તેનો અભ્યાસ કરવામાં આવશે.