ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યામાં પોલીસે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત પાંચ વિરુદ્વ ફરીયાદ દાખલ કરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે જયંતિ ભાનુશાળીને હની ટ્રેપમાં ફસાવનારી યુવતી મનિષા ગોસ્વામી સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. કુલ પાંચ જણાની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતની વરાછા ખાતે રહેતી યુવતીએ જયંતિ ભાનુશાળી પર બળાત્કાર ગુજારવાનો કેસ કર્યો હતો. ત્યાર બાદ ભાનુશાળીએ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અગાઉ જયંતિ ભાનુશાળીના ગોડાઉનમાંથી સરકારી લોટનો જથ્થો પણ મળી આવ્યો હતો અને ભારે વિવાદ થયો હતો.
જંયતિ ભાનુશાળી અબડાસાના બે વખત ધારાસભ્ય રહી ચૂકયા હતા અને ભારે વગ ધરાવતી વ્યક્તિ બની ગયા હતા. છબીલ પટેલ અને ભાનુશાળી વચ્ચે રાજકીય ખટરાગ ચાલ્યા કરતી હતી.
સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવી હતી પરંત બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભાજપના નેતાઓએ વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું અને યુવતીએ દુષ્કર્મ અંગેની ફરીયાદ પાછી ખેંચી લીધી હતી. આ વિવાદમાં જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે મોટી બબાલ પણ થઈ હોવાના સમાચારો આવી રહ્યા હતા.
મૂળ નખત્રાણા અને ત્યાર બાદ વાપીમાં રહેતી મનીષા ગોસ્વામી વિરદ્વ જયંતિના ભાણેજે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ભાનુશાળીની હત્યામાં મનીષાને પણ આરોપી બનાવી છે. છબીલ પટેલ, મનીષા ઉપરાંત સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ભાનુશાળીના પરિવારજનોએ આ પાંચના નામ હત્યામાં સંડોવાયા હોવાનું જણાવી આક્ષેપ કર્યા હતા. પોલીસે પરિવારજનોની ફરીયાદના આધારે તમામની સામે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.