રાજ્યના મહાનગરો- મોટા શહેરો સાથે નાના નગરો, ગામોના પણ આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ કરવાના હેતુથી રાજ્યમાં આવા બે વિસ્તાર વિકાસ સત્તા મંડળો અને બે શહેરી વિકાસ સત્તા મંડળો એમ એક જ દિવસમાં એક સાથે વધુ ચાર ડેવલપમેન્ટ પ્લાન (Development plan)ને મંજૂરી આપવામાં આવી છે.જેમાં બેચરાજી (Bechraji) અને લીંબડી (Limbadi)ના ડેવલપમેન્ટ પ્લાનનો પણ સમાવેશ થાય છે.
નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના ૧૫ ગામો મળી ૭૧.૩૭ ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે.
રૂપાણીએ ટાઉન પ્લાનિંગ સ્કીમ (Town planning scheme) બનાવવા ઉપર વધુ ભાર મૂકતાં અને શહેરની આંતર માળખાકીય સવલતો માટે ટી.પી. મારફતે જમીન મેળવવાનું જણાવતાં, નવસારી ઓથોરિટીના ડેવલપમેન્ટ પ્લાનમાં એક પણ રિઝર્વેશન સૂચવ્યું નથી. આ વિકાસ યોજનામાં હયાત રસ્તાઓનું રીસર્ફેસિંગ, સુચિત નવા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ (Street light) વિગેરે સહિતની આંતરમાળખાકીય સવલતો આપવા રૂ. ૬૫૫ કરોડ નો ખર્ચ આગામી ૧૦ વર્ષમાં થવાનો અંદાજ છે.