સરકારે રાજ્યની તમામ જીલ્લા પંચાયત હેઠળની સરકારી તથા કોર્પોરેશનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષથી કરી દીધો છે અને પ્રાથમિક સ્કૂલોમાં તો શિક્ષકોની પણ ઓનલાઈન હાજરી પુરવામા આવે છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઓનલાઈન હાજરીનો ડેટા શિક્ષણ વિભાગને પણ મોકલવામા આવે છે.પ્રાથમિક સ્કૂલો બાદ હવે શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પણ ઓનલાઈન હાજરીનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
જે અંતર્ગત હાલ પાયલોટ પ્રોજેકટ રૃપે બાવળા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમા વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવામા આવી રહી છે ત્યારબાદ એપ્રિલથી જીલ્લાની કેટલીક વધુ સ્કૂલોમાં તેનો અમલ કરાશે અને નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ઓનલાઈન હાજરી પુરવાની પદ્ધતિ શરૃ કરાશે.હાલ તો વિદ્યાર્થીઓની જ ઓનલાઈન હાજરી પુરવામા આવશે.માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી૧૨માં શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવામા નહી આવે. ધો.૯થી૧૨માં ભૂતિયા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ન પુરવામા આવે અને સ્કૂલે જ ન આવતા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ન પુરી દેવામા આવે તે માટે ઓનલાઈન હાજરીની સીસ્ટમ શરૃ કરવામા આવનાર છે.ખાસ કરીને ધોે.૯થી૧૨માં ઘણા કોચિંગ કલાસીસો સ્કૂલો સાથે ટાઈઅપ કરીને પોતાને ત્યાં વિદ્યાર્થીઓને ધો.૧૦થી૧૨નું કોચિંગ અપાવે છે અને સ્કૂલોમાં વિદ્યાર્થી ન જાય તો પણ હાજરી પુરી દેવાય છે.રજિસ્ટર્ડમાં પુરાતી ખોટી હાજરીઓને લઈને હવે ઓનલાઈન હાજરી પુરવામા આવશે અને જેનો ડેટા કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા રાખવામા આવશે.