ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે આગામી તારીખ 18, 19 અને 20 દરમિયાન દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ભૂતકાળમાં ગુજરાત સરકારે 400 થી 500 કરોડ રૂપિયા ખર્ચીને મહાત્મા મંદિર બનાવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પરથી મહાત્મા મંદિર એવું નામ અપાયું હતું તેમજ આ ભવ્ય બિલ્ડીંગ ની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રેંટિયો કાંતતી પ્રતિમા મુકાઈ હતી.
દેશ વિદેશથી આવતા રાજકીય નેતાઓ અને મલ્ટીમિલિયેનર ઉદ્યોગપતિઓ આ પ્રતિમાના દર્શન કરતા હોય છે. આજે શુક્રવારે મુખ્ય સચિવ જે. એન. સિંહ દ્વારા વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી તેમજ જે સ્થળે મુખ્ય ઇવેન્ટ યોજાવાનો છે તે સ્થળની અને સમગ્ર મહાત્મા મંદિરની મુલાકાત પત્રકારોને કરાઈ હતી. પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ગુમ થયેલી જણાય છે.
આજે મહાત્મા મંદિરની મુલાકાતે આવનાર કેટલાય લોકોને ગાંધીજીની પ્રતિમાને હટાવી દેવાને કારણે ભારે આશ્ચર્ય થયું હતું આ અંગે મહાત્મા મંદિરમાં આવેલી ઈન્ડેક્ષ-બી ની ઓફિસમાં બેઠેલા કેટલાક અધિકારીઓને ગાંધીજીની પ્રતિમા શા માટે હટાવાઈ તેવું પુછતાં તેઓએ જવાબ આપ્યો કે, અમને કશી ખબર નથી પ્રશ્ન એ થાય છે કે, ગાંધીજીની પ્રતિમાને ખરેખર સફાઈ કરવા માટે લઈ જવાય છે કે પછી બીજા કોઇ કારણોથી ત્યાંથી હટાવાય છે. આ પ્રતિમાને ફરીથી મહાત્મા મંદિરની અંદર તેના મૂળ સ્થળે રાખશે કે કેમ તે અંગે પણ કોઈને ખબર નથી હાલમાં વાઇબ્રન્ટ સમિટનું કામ સંભાળતા અને મહાત્મા મંદિર ઇવેન્ટની પણ જેની મુખ્ય જવાબદારી છે તેવા IAS અધિકારી રાજકુમાર બેનિવાલનો સંપર્ક સાધવાના અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓએ વાત કરવાનું ટાળ્યું હતું.