ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR)નો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ કરીને આત્મવિશ્વાસ વધતા પેટન્ટ એજન્ટની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થતાં ગુજરાતને વધુ પેટન્ટ એજન્ટો ઉપલબ્ધ બનશે એવા અણસાર સાંપડ્યા છે. આ વખતે પેટન્ટ એજન્ટની પરીક્ષા આપનારાઓમાં 25 ઉમેદવારો એવા હતા કે જેમણે GTUમા કોર્સ કરીને પેટન્ટ એજન્ટની પરીક્ષા આપી હતી. ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગની મોટી કંપનીઓમાં આવી લાયકાત ધરાવતા ઉમેદવારોની માંગ વધી છે.
GTUએ તાજેતરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન IPR કોર્સની ચોથી બેચમાં પ્રવેશની જાહેરાત કરી તેને વ્યાવસાયિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. GTU અને અન્ય કોઈપણ યુનિવર્સિટીના અનુસ્નાતક અથવા Ph.Dના વિદ્યાર્થીઓ કે તે ઉત્તિર્ણ કરી ચૂકેલી વ્યક્તિઓ, વિજ્ઞાન કે ટેક્નોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા હોય એવા પ્રાધ્યાપકો અથવા ઉદ્યોગ સાહસિકો કે ઔદ્યોગિક એકમોના અધિકારીઓ પણ આ કોર્સમાં જોડાઈ શકે છે.
આ કોર્સમાં દર વર્ષે 60 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવે છે અને વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક થયેલા અને ઉદ્યોગોમાં કાર્યરત ઉમેદવારોને પણ તેમાં અગ્રક્રમ આપવામાં આવે છે. આ ઑફ-કેમ્પસ કોર્સમાં દર મહિને એક શનિ-રવિ ક્લાસ ચલાવવામાં આવે છે.
GTUએ છેલ્લા આઠ વર્ષમાં IPR-પેટન્ટને લગતા 100 વર્કશોપ યોજીને લગભગ આઠ હજાર પ્રોફેસરોને તાલીમ આપી છે. તે ઉપરાંત B.E.ના સેમેસ્ટર-7 અને 8 તથા એમ.ફાર્મના સેમેસ્ટર-3મા પેટન્ટને લગતા વિષયો ઉમેરવામાં આવ્યા છે. GTU તરફથી સપ્ટેમ્બર-2014થી IPRનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યો. સ્ટાર્ટ અપની તાલીમમાં પણ પેટન્ટના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ બધા પ્રયાસોને કારણે GTUના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો 356 પેટન્ટ અરજી કરવાની સફળતા હાંસલ કરી છે.
ગયા વર્ષે ભારતમાં આશરે 45 હજાર પેટન્ટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, તેમાંથી 70 ટકા અરજીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ કે વિદેશીઓએ દાખલ કરી હતી. વર્ષ 2015 પછીથી ચીનમાં દર વર્ષે દસ લાખથી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરાય છે. ભારતમાં IPRના ક્ષેત્રમાં પૂરતી જનજાગૃતિનો અભાવ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આ કોર્સ છેલ્લા ચાર વર્ષથી શરૂ કરાયો છે.