ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટનું સંચાલન હવે જીટીયુ હસ્તક થશે. સરકારે જીટીયુને આ કોલેજ ચલાવવા સૂચન કરતા અંતે જીટીયુએ ચાલુ વર્ષથી આ કોલેજનો સંપૂર્ણ વહિવટ પોતાના હસ્તક લીધો છે.જો કે આ કોલેજની ફીમાં હાલ કોઈ ઘટાડો નહી થાય પરંતુ યુનિ.સરકારને કાયમી જગ્યાઓ મંજૂર કરવા દરખાસ્ત કરશે અને જો મંજૂર થશે તો ફી સરકારી ધોરણે લેવાશે.
ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા ૨૦૧૧માં પીપીપી મોડમાં મહેસાણા ખાતે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટ ( જીપીઈઆરઆઈ-જીપેરી) નામથી ડિગ્રી ઈજનેરી કોલેજ શરૃ કરાઈ હતી.આ કોલેજમાં ઈલેક્ટ્રિકલ,સિવિલ,મિકેનિકલ અને કોમ્પ્યુટર સહિતની ચાર બ્રાંચમાં બી.ઈનો અભ્યાસ ચાલે છે.આ કોલેજમાં મિકેનિકલની ૬૦, સિવિલની ૬૦ અને ઈલેક્ટ્રિકની ૩૦ તથા કોમ્પ્યુટર બ્રાંચની ૯૦ બેઠકો સહિત ૨૪૦ બેઠકો છે અને કુલ મળીને ૧૦૪૫ વિદ્યાર્થીઓ ચાર વર્ષના થાય છે પરંતુ કોલેજને ઘણા વર્ષથી ૫૦ ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ મળે છે. વિદ્યાર્થીઓ ન મળતા હોવાથી ખોટમાં ચાલતી કોલજને પાવર કોર્પોરેશન દ્વારા બંધ કરવાની દરખાસ્ત કરાઈ હતી પરંતુ સરકારે ગમે તેમ કરી ચાલુ રખાવી હતી.અંતે આ વર્ષથી કોલેજ બંધ કરવાની કોર્પોરેશનની દરખાસ્તને મંજૂર કરાયા બાદ સરકારે જીટીયુને આ કોલેજનું સંચાલકન કરવા સૂચના આપી હતી.
જીટીયુ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી આ કોલેજને પોતાના હસ્તક લઈ લીધી છે અને આ કોલેજ જીટીયુની કન્સ્ટિટયુએટ કોલેજ કહેવાશે.આ અંગે જીટીયુના કુલપતિનું કહેવુ છે કે કોલેજનું સંપૂર્ણ સંચાલન જીટીયુ કરશે. કોલેજના અગાઉના મેનેજેન્ટે તમામ સ્ટાફને છુટો કરી દીધા બાદ જીટીયુ દ્વારા હવે નવો હંગામી સ્ટાફ ભરવામા આવશે.હાલ હંગામી આચાર્ય નીમી દેવામા આવ્યા છે. આ કોેલેજમાં ઈજનેરીની નવી ૧૭ કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે તેમજ સેન્ટર ઓફ એક્સલેન્સ શરૃ કરાશે અને એનસીસી સેન્ટર તેમજ સ્પોર્ટસ સેન્ટર સહિતની તમામ સુવિધાઓ -પ્રવૃતિઓ શરૃ કરાશે.જેથી આ કોલેજને વિદ્યાર્થીઓ મળતા થશે.જો કે હાલની જે વાર્ષિક ૪૦ હજાર ફી છે તેમાં ઘટાડો નહી થાય.જીટીયુ દ્વારા સરકારને કામયી સ્ટાફની મંજૂરી માટે દરખાસ્ત કરશે અને અન્ય સુવિધા મંગાશે જો સરકાર મંજૂર કરશે તો આગામી સમયમાં સરકારી ધોરણે ફી લેવાશે.આ કોલેજનું અદ્યતન બિલ્ડીંગ તેમજ વિશાળ કેમ્પસ અને અન્ય સુવિધાઓને લીધે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઘણો ફાયદો થશે.