ગાંધીનગર- ગુજરાતમાંથી બેકારી દૂર કરવી હોય તો સરકારે બનાવેલા નિયમનું ફરજીયાત પાલન કરવું જોઇએ, કેમ કે નિયમનું પાલન નહીં થતું હોવાથી બેકારીનો સાચો આંકડો બહાર આવતો નથી. રાજ્યના આંકડાશાત્ર બ્યુરો તરફથી રજૂ કરવામાં આવતા બેકારીના આંકડા પોકળ અને અધુરાં છે તેથી સરકાર એક એપ્લિકેશન બનાવવાની આવશ્યતા છે.
રોજગાર વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે સરકારની રોજગાર વિનિયમ કચેરીઓમાં તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ નામ દાખલ કરાવતા નથી તેથી તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન બનાવીને તેમાં ફરજીયાત વિગતો ભરવાની સુવિધા કરવી જોઇએ. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને આ જવાબદારી સોંપવામાં આવે. વિદ્યાર્થી જ્યારે રિઝલ્ટ લેવા જાય ત્યારે આ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીની તમામ વિગતો ફરજીયાત પ્રમાણે ભરવાનું નક્કી કરવું જોઇએ.
સરકારી ચોપડા પ્રમાણે રાજ્યમાં સાડા ચાર લાખ બેરોજગાર છે પરંતુ નહીં નોંઘાયેલા બેકારો સહિતની કુલ સંખ્યા 25 લાખને પાર છે ત્યારે રાજ્ય સરકારે એ હકીકતનો સ્વિકાર કરીને ખાનગી નોકરીઓમાં સ્થાનિક ભરતી પર વધારે ભાર મૂકવો જોઇએ. ગુજરાતમાં 1988માં 85 ટકા સ્થાનિક ભરતીનો કાયદો બનાવવામાં આવેલો છે. સ્થાનિક ભરતી ઉપરાંત બેરોજગારી ભથ્થું, વય મર્યાદામાં છૂટછાટ અને ઇન્ટરવ્યુ ખર્ચ ઉઠાવવાના આદેશ કરવામાં આવેલા છે તેમ છતાં બેકારી વધતી જાય છે.
સરકારી આંકડા પ્રમાણે 2006 થી 2012 સુધીના વર્ષોમાં સરકારે 65 લાખથી વધુ રોજગારી આપવાના વાયદા કરેલા છે પરંતુ તે પૂરા થયા નથી તેવો વિપક્ષનો દાવો છે જેની સામે સરકાર કહે છે કે અમે વર્ષે સરેરાશ એક થી દોઢ લાખ યુવાનોને સરકારી અને ખાનગી નોકરી અપાવીએ છીએ તેમ છતાં બેકારી ઘટતી નથી. ગુજરાતમાં હાલ 60 યુનિવર્સિટી અને 800 શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.
આ શિક્ષણ સંસ્થાઓમાંથી દરવર્ષે બહાર આવતા વિદ્યાર્થીઓ પૈકી સરકારી નોકરીની ચાહના ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી માત્ર 25 ટકા છે. 50 ટકા વિદ્યાર્થીઓ ખાનગી નોકરી પસંદ કરે છે અથવા તો સ્વનિર્ભર થવા માગે છે જ્યારે બાકીના 25 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અથવા નોકરી માટે વિદેશ જવાનું પસંદ કરે છે.
શિક્ષણ વિભાગના એક તજજ્ઞએ જણાવ્યું હતું કે આપણે શિક્ષણ એ પ્રકારનું બનાવવું જોઇએ કે ગુજરાતમાં જ્યાં નોકરીની તકો હોય અથવા તો બિઝનેસનો સ્કોપ હોય ત્યાં તે યુવાનો ગોઠવાઇ શકે. આપણો શિક્ષણનો ઢાંચો ઉદ્યોગોને અનુરૂપ બનાવવો જોઇએ. આપણે વિદ્યાર્થીઓના ઇનોવેશનને વધારે મહત્વ આપવાની પણ જરૂર છે. ખાસ કરીને રોજગાર વિનિમય કચેરીઓને આધુનિક બનાવી ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, ગ્રેજ્યુએટ પાસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન બનાવી તેમાં પ્રત્યેક વિદ્યાર્થીને તમામ વિગતો ભરવાનું કહેવું જોઇએ. જેમને નોકરી મળે તેઓ એપ્લિકેશનમાં નોંધણી કરી શકે અને જેમને નોકરી મળી નથી તેમને સરકાર ઓફર કરે તેવી સિસ્ટમ શરૂ કરવાની જરૂર છે.