વડોદરા જિલ્લાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે પોતાના વિસ્તારમાં કામ કરાવવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખ્યો છે. જેમાં ધારાસભ્યએ પોતાના વિધાનસભા વિસ્તારમાં બસ ડેપો અને ચેકડેમનું કામ કરાવવા માટે માંગ મૂકી છે. જો કે તેમણે જણાવ્યું કે, તેમની કોઈ નારાજગી કે વિરોધ નથી. આવા પત્રો દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારોમાં કામ કરાવવા માટે લખતા રહે છે. આજ પ્રમાણે મેં પણ મારા વિસ્તારના કામો માટે પત્ર લખ્યો છે.
કેતન ઈમાનદારે પત્રમાં લખ્યું છે કે, તાલુકા પંચાયત સાવલીમાં અનેક નિર્માણ કાર્યની સાથે એસટી બસ ડેપોનું નિર્માણ વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ કામ શરૂ કર્યાના થોડા સમય બાદ બંધ કરી દેવામાં આવ્યું. સાવલીની બસોનું સંચાલન વડોદરા, વાઘોડિયાથી કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં સિંચાઈનો લાભ નથી મળતો.
જણાવી દઈએ કે, ગત મહિને નારાજ થઈને ઈમાનદારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું સોપી દીધુ હતું. જો કે બાદમાં પાર્ટી હાઈકમાન્ડે મધ્યસ્થી કરતા તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું હતું. તે સમયે તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમના વિસ્તારની અનેક માંગણીઓ પર સરકાર ધ્યાન નથી આપી રહી. સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવ અને ઉદાસીનતાના કારણે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેના પર ધ્યાન નથી આપતા. પ્રજાના પ્રતિનિધિ તરીતે ધારાસભ્યની ગરિમા અને સમ્માન જાળવી નથી શકાતું અને ધારાસભ્ય પદને નજર અંદાજ કરવામાં આવે છે.