અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવશે તેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારી કરાઇ રહી છે. જોકે, તેમના પ્રવાસની સંભવિત તારીખ ૨૪થી ૨૭ ફેબ્રુઆરી હોવાનું બહાર આવતા સચિવાલયમાં અધિકારીના એક વર્ગમાં જો ટ્રમ્પ ૨૪મીએ જ આવે તો ૨૪મીએ વિધાનસભા સત્રના પહેલા જ દિવસે રાજ્યનું બજેટ રજૂ થવાનું હોઇ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું પડે તેમ હોઇ મુશ્કેલી સર્જાઇ શકે છે.
ટ્રમ્પ કઇ તારીખે આવશે તે અંગે ગુજરાતથી લઇને દિલ્હી સુધીનું સરકારી તંત્ર હજુ સુધી ફોડ પાડી રહ્યું નથી. સીએમ વિજય રૂપાણીએ તાજેતરમાં દિલ્હીમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ અમદાવાદની મુલાકાતે આવવાના છે તેવી જાહેરાત કરી હતી. તેમના પ્રવાસની સંભવિત તારીખ ૨૪થી ૨૭ ફેબ્રુઆરી હોવાના અંદાજે સરકારી તંત્રથી લઇને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે વચ્ચે સચિવાલયના અધિકારી વર્ગમાં એ બાબતે પણ ચર્ચા છે કે, ટ્રમ્પ ૨૪મી તારીખે જ આવે તો વિધાનસભામાં તે જ દિવસે રાજ્યનું બજેટ હોઇ મુશ્કેલી સર્જાઇ શકે છે.
કારણ કે, જો ટ્રમ્પ ૨૪મીએ અમદાવાદની મુલાકાત લે તો વડાપ્રધાન નરેન્દ્ર મંત્રી પણ ઉપસ્થિત રહે તે સ્વાભાવિક છે. તે સાથે સીએમ વિજય રૂપાણી અને પ્રોટોકોલ મુજબ અન્ય મંત્રીઓએ પણ તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની ફરજ પડે તે સંજોગોમાં બજેટ રજૂ કરી શકાય નહીં. જો ટ્રમ્પની મુલાકાત ૨૪મી સિવાયની અન્ય તારીખ હોય તો વિધાનસભા સત્ર ચાલુ હોઇ શકે છે, પરંતુ કોઇ મોટી સમસ્યા સર્જાઇ શકે નહીં.
સચિવાલયના અધિકારી વર્ગમાં પણ ટ્રમ્પની તારીખ ક્યારે નક્કી થશે તેને લઇને હાલ ભારે ઉત્સુકતા છે.