Gujarat: ગુજરાતમાંથી એક પછી એક નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોએ ભાજપની વાટ પકડી છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આ સિલસિલો અહેમદ પટેલના અવસાન બાદ વધુ ઝડપથી બની રહ્યો છે. અહેમદની હયાતીમાં અહેમદ પટેલની સામે ધૂરકીયા કરનારા નેતાઓને કાં તો સાઈડ કોર્નર કરી દેવામાં આવતા હતા અથવા તો તેઓ કોંગ્રેસને છોડવા માટે લાચાર બની જતા હતા.
ગુજરાતમાં કોંગ્રેસના અધ:પતનની શરુઆત 1995થી થઈ ગઈ છે. વચ્ચે શંકરસિંહ વાઘેલાની સરકારમાં જોડાતા થોડી ઘણી રાહત મળી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે અહેમદ પટેલે ગુજરાતમાં તેમની ફરતે જ નેતાઓ અને આપખુદશાહો,ચાપલુસોનું એક આખું કંડાળું રચી દીધું હતું અને તેમાંથી તેઓ ક્યારેય બહાર આવ્યા નહી. ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધીએ વરવું સ્વરુપ ધારણ કર્યું તો અહેમદ પટેલના જ નજીકના નેતાઓ લડતા-ઝઘડતા જોવા મળ્યા. થયું એવું કે કોંગ્રેસની વિચારધારામાં માનતા ચૂસ્ત કોંગ્રેસીઓ હાંસિયામાં ધકેલાતા ગયા અને ગ્રાસરુટ લેવલ પર કામ કરતા નેતાઓ અને કાર્યકરો દુરને દુર હડસેલાતા ગયા, અરે એમ કહો કે ફંગોળાઈ ગયા. તેઓ ન ઘરના રહ્યા ન તો ઘાટના.
અહેમદ પટેલને કોંગ્રેસના ટ્રબલ શૂટર ગણવામાં આવ્યા. પરંતુ તેમની કોંગ્રેસની સુપ્રીમસી દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય સત્તા પર આવી શકી નહી. શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસના સુકાની બન્યા પણ રાજકીય રીતે હાથ-પગ બંધાયેલી અવસ્થામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માટે વિશેષ જોહર બતાવી શક્યા નહી.
અને પછી જે પ્રકારે એક ટ્રેજિક સ્ટોરીનો અંજામ આવે છે તેમ ગુજરાતમાં કોંગ્રેસનો અંજામ થઈ રહ્યો છે. જોકે, કોંગ્રેસની નવી પેઢી માને છે કે આવી ઘટનાઓથી નાસીપાસ થવાની જરુર નથી. કોંગ્રેસના સિનિયર નેતા કહે છે કે કોંગ્રેસે અનેક રાજકીય આંધી તોફાન જોયા છે. આમાંથી પણ કોંગ્રેસ વધુ મજબૂત અને સક્ષમ થઈને બહાર આવશે.
મુળ મુદ્દો એ છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે અને સાતમી માર્ચે આ યાત્રા ગુજરાતમાં આવી રહી છે. રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશમાં કહ્યું હતું કે જે લોકો હિમંતા વિસ્વા સરમા અને મિલંદ દેવરા જેવી વિચારધારા રાખતા હોય તેઓ તાત્કાલિક કોંગ્રેસ છોડી દેવી જોઈએ. રાહુલ ગાંધીના આ એક લાઈનનાં અલ્ટીમેટમમાં ઘણું બધું આવી જાય છે. સમગ્ર દેશમાં રાહુલ ગાંધીનું આ કથન વાયરલ થયું અને યુવા કોંગ્રેસીઓએ આ વિધાનને વધાવી લીધું તો વર્ષોથી કોંગ્રેસમાં જામી પડેલા નેતાઓને આનાથી મરચા લાગ્યા તો કેટલાક નેતાઓએ સમય પ્રમાણે રાહુલ ગાંધીના કથનને સકારાત્મક પણ લીધું છે.
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના સંગઠનમાં સીધી રીતે અહેમદ પટેલનો પ્રભાવ રહ્યો હતો. અહેમદ પટેલની સાથે રહેતા અને તેમના સમર્થકો ગણાતા નેતાઓ ભાજપમાં જાય તો તેમને રોકવાના પ્રયાસો કરવા પણ મક્કમ પ્રયાસો નહીં. તેઓ જતા હોય તો તેમને જવા દેવા એવી નીતિ કદાચ કોંગ્રેસ મોવડી મંડળે ધારણ કરી લીધી હોવાનું ચાડી ખાય છે.
અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ સામે રાજકીય શત્રુવટનો હિસાબ કિતાબ ચૂકતે કરવાના પ્રયોસ કર્યો પણ અહેમદ પટેલ છેક અણીએ આવીને જીતી ગયા, કહો જીતાડાયા. હવે તેમના અવસાન બાદ કોંગ્રેસમાં તેમના જ વફાદારોની બોલબાલા હતી પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની દુર્દર્શા માટે અહેમદ પટેલ અને તેમના વફાદારોને વિશેશકર જવાબદાર માનવાનું શરુ કરવામાં આવતા અહેમદ પટેલના વફાદારોની સ્થિતિ કફોડી થવી સ્વભાવિક હતી અને અપેક્ષા મુજબ જ તેઓ કોંગ્રેસને છોડે.
યુપીએ-1 અને યુપીએ-2ની સરકાર દરમિયાન અહેમદ પટેલ કોંગ્રેસના સુપર પ્રમુખ પણ હતા અને સુપર પીએમ પણ હતા. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની કમાન સીધી રીતે સોનિયા ગાંધીના સલાહકાર હોવાના નાતે અહેમદ પટેલ પાસે હતી એટલે કે સરકાર અને સંગઠન પર અહેમદ પટેલનો રાજ હતો. અહેમદ પટેલના અવસાન બાદ તેમના સમર્થકો માટે સ્થિતિ વિપરીત બની જ ગઈ હતી. આવી સ્થિતિમાં અહેમદ પટેલના સમર્થકોએ ભાજપ ભરો અભિયાન શરુ કરી દીધું છે. જોઈએ કોંગ્રેસ આ ધમ્મરવલોણામાંથી ફાયદો મેળવે છે કે ફરી એક વાર કચ્ચરધાણ થઈને લોહીલુહાણ થાય છે.