Gujarat: ગુજરાત કોંગ્રેસને કળ વળી રહી નથી. શ્વાસ લેવામાં પણ કોંગ્રેસને તકલીફ થાય તેવો રાજકીય માહોલ સર્જાયો છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક સાગમટે રાજીનામા ધરી ભાજપમાં જઈ રહ્યા છે. અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેરના ભાજપ જોડાવાની શાહી સૂકાઈ નથી ત્યાં તો કોંગ્રેસમાંથી અન્ય નેતાઓ પણ રાજીનામા ધરી દે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ચિરાગ પટેલ અને સીજે ચાવડા પછી છેલ્લા ચાર મહિનામાં રાજીનામું આપનારા અર્જુન મોઢવાડિયા ત્રીજા કોંગ્રેસના ધારાસભ્ય છે. ચિરાગ પટેલે ડિસેમ્બરમાં અને સીજે ચાવડાએ જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાંથી ચાલી રહેલા પલાયનનાં પ્રવાહની વચ્ચે ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ અંગે સૂચક વાતો કહી છે.
પરેશ ધાનાણીએ કહ્યું કે નેતા અને જનતા ત્રાજ્વે તોળાઈ રહ્યા છે. લોકશાહીમાં જનતા જ સર્વોપરી હોય છે. આપણામાંથી જ કોઈ ગદ્દાર નીકળ્યા હતા ત્યારે ગુલામ થયા હતા અને એ ગુલામીમાંથી બહાર કાઢવાનું કામ દેશની જનતાએ કર્યું છે. આજે પણ વ્યવસ્થાની સામે લોકોના મોઢે તાળું મારવાનું કામ કમલમના કાર્યાલયથી થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે જો ભાજપની નીતિ, કાર્યક્રમોથી લોકોને ફાયદો થતો હોય વિરોધપક્ષના લોકોને જોડવાની જરુર જ ન હોય.તેમનામાં કોન્ફીડન્સ હોય કે અમારા કાર્યક્રમો અમને તાકાત આપશે.લોકોને ધમકાવવાના, રિબાવવાના, ફોસલાવવાના, લલચાવવાના સરકારી ષડયંત્રો પર પડદો પાડવા માટે ભરતી મેળાનો કાર્યક્રમ ભાજપે શરુ કર્યો છે. જનતા ચૂંટણીમાં જવાબ આપશે.
તેમણે કહ્યું કે સંગઠન દિશા આપવાનું કામ કરતું હોય છે. કોંગ્રેસ અનેક થપાટોમાંથી બહાર આવી છે અને આ વખતે પણ કોંગ્રેસ વધુ સક્ષમ અને મજબૂત બનીને બહાર આવશે. 2004માં પણ ઈન્ડિયા શાઈનિંગ સહિતના સ્લોગનો આપવામાં આવ્યા હતા પરંતુ જનતાએ યુપીએની સરકારને ચૂંટી કાઢી હતી. લોકોએ મનમાં ગાંઠ મારી લીધી છે અને કોંગ્રેસ ચોક્કસપણે વૈતરણી પાર કરશે.
અંતે તેમણે કહ્યું કે કોંગ્રેસનો કાર્યકર છું અને પાર્ટીની કામગીરીમાં સતત લાગેલો છું. હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારીના ભાગરુપે રાજપીપળામાં છું