ગુજરાતમાં સતત પાંચમાં દિવસે corona એ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં ૧૩ ઓક્ટોબર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૫ હજારને પાર થયો છે. હાલમાં ૧૫,૧૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૬ માર્ચના રાજ્યમાં ૧૦,૧૩૪ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૫૦% નો વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૮,૪૩૮ છે જ્યારે કુલ મરણાંક ૪,૫૬૬ છે.છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૭૨૪ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૪૫-સુરત ગ્રામ્યમાંથી ૧૭૯ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં ૩,૮૬૨ એક્ટિવ કેસ છે જ્યારે કુલ કેસનો આંક ૬૭,૮૬૦ છે. અમદાવાદ શહેરમાં ૬૬૪-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭૬ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ હવે ૭૫,૨૦૭ છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૨,૨૭૩ છે. વડોદરામાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં ૩૦૯-ગ્રામ્યમાં ૫૮ સાથે ૩૬૭ નવા કેસ સામે આવ્યા છે.
