ગાંધીનગર– ચાલુ સિઝનમાં ગુજરાતના ખેડૂતો પાસેથી અત્યાર સુધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ 7.5 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) કોટનની પ્રાપ્તિ કરી છે. સીસીઆઇ દ્વારા ગુજરાતમાં છેલ્લા 12 વર્ષમાં આ સૌથી વધારે પ્રાપ્તિ છે. સીસીઆઇના મતે ગુજરાતમાં વર્ષ 2008માં 13 લાખ ગાંસડીથી વધારે કોટનની પ્રાપ્તિ કરાઇ હતી. રાજ્યમાં આ પ્રાપ્તિ લઘુત્તમ ટેકાના ભાવે કરાઇ હતી. અલબત ગુજરાતના બજારોમાં કોટનનો ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.>ઓલ ઇન્ડિયા કોટન, કોટન સીડ એન્ડ કોટન કે બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ અવધેશ સેજપાલનું કહેવુ છે કે લોકડાઉનના લીધે કોટનની દેશ અને વિદેશમા માંગ 30 ટકાથી વધારે ઘટી ગઇ છે.
સીસીઆઇની જંગી પ્રાપ્તિ છતાં પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા નથી કારણ કે રાજ્યમાં કપાસનું બમ્પર ઉત્પાદન થયુ છે. કેન્દ્ર સરકારે મીડિયમ સ્ટેપલ વેરાયટીના લઘુત્તમ ટેકાના ભાવ 5255 રૂપિયા અને લોંગ સ્ટેપલના ભાવ 5550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ દેશમાં ચાલુ વર્ષે 354.5 લાખ ગાંસડી કોટનનું ઉત્પાદન થવાનો અંદાજ જાહેર કર્યો છે જ્યારે ગત વર્ષે 312 લાખ ગાંસડી ઉત્પાદન થયુ હતું. ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન વધારે છે.